ભારત પાસેથી `દિલ` મળ્યા પહેલા જિંદગી હારી ગયો આ પાકિસ્તાની હોકી દિગ્ગજ
ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ માંગનાર પાકિસ્તાની હોકી દિગ્ગજ મંસૂર અહમદ આખરે પોતાની જિંદગીનો જંગ હારી ગયો.
કરાચીઃ પાકિસ્તાનને 1994નો વિશ્વકપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર હોકી ગોલકીપર મંસૂર અહમદનું નિધન થઈ ગયું છે. ઓલંમ્પિકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર 49 વર્ષીય મંસૂર છેલ્લા ઘણા સમયથી હ્રદયમાં લાગેલા પેસમેકર અને સ્ટેંન્ડથી પરેશાન હતો. તેણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન માટે ભારતનો સંપર્ક કર્યો હતો.
પાકિસ્તાન માટે 338 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા આ દિગ્ગજને 1994ના વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન માટે યાદ કરવામાં આવશે. તેણે ફાઇનલમાં નેધરલેન્ડ વિરુદ્ધ પેનલ્ટી શૂટમાં ગોલનો બચાવ કરીને પાકિસ્તાનને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. તે જ વર્ષે તેણે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જર્મની વિરુદ્ધ પેનલ્ટી શૂટઆઉટનો બચાવ કર્યો હતો, જેમાં પાકિસ્તાન વિજેતા બન્યું હતું.
ગત દિવસોમાં મંસૂરે એક વીડિયો સંદેશ જારી કરીને ભાવુક અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, ભારત વિરુદ્ધ હોકી મેચમાં ઘણીવાર તેણે ભારતીયોના દિલ તોડ્યા છે અને ઘણીવાર ભારતીય ટીમ પાસેથી જીત છીનવીને પોતાના દેશ પાકિસ્તાનને વિજેતા બનાવ્યું હતું, પરંતુ તે રમતનો ભાગ હતો. પરંતુ મારા મારા દિલની સારવાર કરાવવા માટે ભારત સરકારની મદદ જોઈએ. ભારત સરકારને અપીલમાં મંસૂરે કહ્યું હતું કે મેડિકલ વિઝા તેની જિંદગી બચાવી શકે છે.