કોપા અમેરિકાઃ પેરૂએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચિલીને 3-0થી હરાવ્યું, 44 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું
ફાઇનલમાં પેરૂનો મુકાબલો યજમાન બ્રાઝિલ સામે થશે.
નવી દિલ્હીઃ બ્રાઝિલમાં રમાઇ રહેલી કોપા અમેરિકા ફુટબોલ ટૂર્નામેન્ટમાં પેરૂની ટીમે 44 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પેરૂએ બુધવારે સેમિફાઇનલમાં બે વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ચિલીને 3-0થી પરાજય આપ્યો હતો. ટીમ માટે એડિસન ફ્લોરેસ (21મી મિનિટ), યોશિમાર યોતુમ (38મી મિનિટ) અને પાઓલો ગુરેરો (90+1 મિનિટ)એ ગોલ કર્યાં હતા. પેરૂની ટીમ 1975મા કોલંબિયાને હરાવીને કોપા અમેરિકા ચેમ્પિયન રહી હતી.
ત્રીજા સ્થાન માટે ચિલી અને આર્જેન્ટીના વચ્ચે ટક્કર
ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો પેરૂ અને યજમાન બ્રાઝિલ વચ્ચે રમાશે. આ મેચ 7 જુલાઈ રવિવારે મરકાના સ્ટેડિયમમાં રમાશે. બ્રાઝિલે સેમિફાઇનલ મુકાબલામાં બુધવારે આર્જેન્ટીનાને 2-0થી પરાજય આપ્યો હતો.
ચિલી સતત ત્રીજીવાર ટાઇટલ જીતવાથી ચુકી ગયું છે. હવે ત્રીજા સ્થાન માટે ચિલી અને આર્જેન્ટીના વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ 6 જુલાઈ શનિવારે સાઓ પાઉલોમાં રમાશે.
ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પેરૂનો બ્રાઝિલના હાથે 5-0થી પરાજય થયો હતો. તે મેચ બાદ પેરૂના ગોલકીપર પેટ્રો ગલીજની ખુબ ટીકા થઈ હતી. પરંતુ સેમિફાઇનલમાં ચિલી વિરુદ્ધ પેદ્રોને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
પેર્ટોએ ઉરુગ્વે વિરુદ્ધ શાનદાર વાપસી કરી અને લુઇસ સુઆરેજની પેનલ્ટી રોકતા ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં પેરૂએ ઉરુગ્વેને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.