11.32 સેકન્ડમાં દુતી ચંદની ધમાલ, PM મોદીથી લઈને અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા, જુઓ VIDEO
દુતીએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ લખ્યું, આને જુઓ, મને નીચે ખેંચવાનો પ્રયત્ન કરશો અને હું મજબૂતીથી વાપસી કરીશ.
નવી દિલ્હીઃ ભારતની ટોચની મહિલા રનર દુતી ચંદે ઇટાલીના નેપલ્સમાં ચાલી રહેલી 30મી સરમ યૂનિવર્સિટી ગેમ્સમાં 100 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તેણે શાનદાર પ્રદર્શન કરતા 11.32 સેકન્ડનો સમય લીધો અને ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. દુતીની આ સિદ્ધિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અભિનેતા અક્ષય કુમાર અને આયુષ્માન ખુરાનાએ શુભેચ્છા આપી છે.
રમતની આ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા યૂનિવર્સિટી ગેમ્સના ઈતિહાસમાં કોઈપણ ભારતીય ખેલાડીએ 100 મીટર સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી નથી.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી પણ દુતી ચંદને શુભેચ્છા આપવામાં આવી છે. ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ પણ દુતીને શુભેચ્છા આપી છે. આ સાથે રિજિજૂએ દુતીની સ્પર્ધાનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. તમે પણ જુઓ.
દુતીએ બુધવારે ટ્વીટ કર્યું, વર્ષોની મહેનત અને તમારી દુઆઓને કારણે મેં એક વખત નેપલ્સમાં રમાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 11.32 સેકન્ડનો સમય લેતા 100 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મારા નામે કર્યો છે.
રનર દુતીએ ગોલ્ડ મેડલની સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'આને જુઓ, મને નીચે ખેંચવાનો પ્રયત્ન કરશો તો હું મજબૂતીથી વાપસી કરીશ.'
મહત્વનું છે કે દુતી ચંદે એશિયન ગેમ્સમાં પણ બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યાં હતા.