ડોપિંગ મામલામાં ફસાયો પૃથ્વી શો, 8 મહિના માટે BCCIએ કર્યો સસ્પેન્ડ
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન પૃથ્વી શોને બીસીસીઆઈએ સસ્પેન્ડ કરી દીધો છે. બીસીસીઆઈના ડોપિંગ વિરોધી નિયમનો ભંગ કરવા માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ યુવા બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw)ને મુંબઈ ક્રિકેટ એસોસિએશને 8 મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. ડોપિંગ નિયમોનો ભંગ કરવાને કારણે એસોસિએશને તેની વિરુદ્ધ આ પગલું ભર્યું છે. શોએ અજાણતા એક પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું, જે સામાન્ય રીતે કફ સિરપમાં જોવા મળે છે. તો ઈજાગ્રસ્ત હોવાને કારણે પૃથ્વી શોને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ બીસીસીઆઈના હવાલાથી જણાવ્યું, 'મુંબઈ ક્રિકેટ એસોસિએશને ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા પર પૃથ્વી શોનું રજીસ્ટ્રેશન 8 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે. શોએ અજાણતામાં એક પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું, જે સામાન્ય રીતે કફ સિરપમાં જોવા મળે છે.'
શોએ 22 ફેબ્રુઆરી, 2019ના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન પોતાનું સેમ્પલ આપ્યું હતું, જેમાં પ્રતિબંધિત પર્દાર્શના અંશ મળ્યા હતા. 19 જુલાઈ, 2019નાશોને બીસીસીઆઈએ ડોપિંગ વિરોધી નિયમના ઉલ્લંઘનનો દોષી ગણતા સસ્પેન્ડ કરી દીધો છે. શોએ પોતાના ઉપર લાગેલા આરોપોનો સ્વીકાર કર્યો, પરંતુ કહ્યું કે, તેણે અજાણતા સેવન કર્યું છે. બીસીસીઆઈએ શો દ્વારા આપવામાં આવેલા તર્કનો સ્વીકાર કર્યો અને તેને 15 નવેમ્બર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પૃથ્વી શો પર 16 માર્ચથી પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યો છે.
શોએ અંતિમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદ વિરુદ્ધ રમી હતી. તેણે અત્યાર સુધી ભારત માટે બે ટેસ્ટ રમી છે. તેના નામે એક સદી અને એક અડધી સદી છે. તેણે 2 ટેસ્ટમાં 118.50ની એવરેજથી 237 રન બનાવ્યા છે.