નવી દિલ્હીઃ 19 વર્ષના સિદક સિંહે સીનિયર ક્રિકેટમાં પદાર્પણ પહેલાં જ એવો રેકોર્ડ બનાવી નાખ્યો છે, જે મોટા દિગ્ગજ ખેલાડી પણ આખી ક્રિકેટ કારકિર્દી દરમિયાન બનાવી શકતા નથી. સિદક સિંહે પુડુચેરી તરફથી રમતા શનિવારે અંડર-23 સી.કે. નાયડુ ટ્રોફીમાં એક જ ઈનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી. તેની આ શાનદાર બોલિંગને કારણે પુડુચેરીએ મણિપુરને 71 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનારસમાં જન્મેલો 19 વર્ષનો સિદક સિંહ 2015માં મુંબઈ તરફથી 7 ટી20 મેચ રમી ચૂક્યો છે. એ સમયે તે મુંબઈ માટે પદાર્પણ કરનારો બીજો સૌથી નાની વયનો ખેલાડી બન્યો હતો. તેણે 15 વર્ષથી નાની વયમાં મુંબઈ તરફથી પ્રથમ મેચ રમી હતી. 


મુંબઈ તરફથી સૌથી નાની વયે પદાર્પણ કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 14 વર્ષની ઉંમરમાં મુંબઈ માટે પ્રથમ મેચ રમી હતી. 


17.5 ઓવરમાં લીધી 10 વિકેટ
ડાબોડી સ્પિનર સિદક સિંહ ત્યાર બાદ મુંબઈની ટીમ છોડીને પુડુચેરી તરફથી રમવા લાગ્યો હતો. તેણે શનિવારે 17.5 ઓવરમાં 31 રન આપીને 10 વિકેટ લીધી હતી. આ 17 ઓવરમાં તેણે 7 ઓવર મેડન ફેંકી હતી. સિદક સિંહની નાનકડી ક્રિકેટ કારકિર્દીમાં શંકાસ્પદ બોલિંગ એક્શનની ફરિયાદ પણ થઈ ચૂકી છે. જોકે, તે પોતાની એક્શન સુધારીને ફરી મેદાન પર પરત આવ્યો છે. 


કુંબલેની ક્બમાં સામેલ થયો સિદક સિંહ
19 વર્ષનો સિદક સિંહ પોતાના આ પ્રદર્શનની સાથે જ દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેની એ ક્લબમાં સામેલ થઈ ગયો છે, જેણે એક ઈનિંગ્સમાં 10 વિકેટ ઝડપી છે. ભારતની પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ આ રેકોર્ડ ટેસ્ટમાં બનાવ્યો હતો, જ્યારે સિદક સિંહે અંડર-23 ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવ્યો છે. 


કુંબલેએ 19 વર્ષ પહેલાં ઝડપી હતી 10 વિકેટ
લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1999માં દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં એક જ ઈનિંગ્સમાં પાકિસ્તાનના બધા જ 10 ખેલાડીને આઉટ કરી દીધા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આવી સિદ્ધિ હાંસલ કરનારો તે વિશ્વનો બીજો ખેલાડી બન્યો હતો. 


કુંબલે પહેલાં ઈંગ્લેન્ડના જિમ લેકરે એક ઈનિંગ્સમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે આ સુંદર પ્રદર્શન કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી જિમ લેકર અને અનિલ કુંબલે સિવાય એક પણ બોલર એક ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી શક્યો નથી.