મુંબઈઃ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે બુધવારે 'રન મશીન' ચેતેશ્વર પૂજારાની ઓસ્ટ્રેલિયામાં ભારતના ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ વિજયમાં મહત્વપૂર્ણ યોગદાન માટે ભરપૂર પ્રશંસા કરી હતી. તેંડુલકર ભારતીય ટીમની રમતની શૈલીથી પ્રભાવિત જણાયો અને કહ્યું કે, વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ 4 ટેસ્ટ મેચોની સિરીઝમાં જે પ્રકારે રમી તે લાજવાબ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. સચિને અહીં એક કાર્યક્રમમમાં કહ્યું, ટીમે ખરેખર સારૂ પ્રદર્શન કર્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં જે રીતે ગેમ રમી કે લાજવાબ હતી. પૂજારાએ સિરીઝમાં 521 રન બનાવ્યા જેમાં 3 સદી અને એક અડધી સદી સામેલ છે. સિડનીમાં તેણે 193 રન બનાવ્યા હતા. 


સચિને કહ્યું કે પૂજારાનું સિરીઝમાં પ્રદર્શન બેજોડ હતું. તેમણે કહ્યું, મારા માટે કોઈ એક ક્ષણને મહત્વપૂર્ણ ગણાવવી મુશ્કેલ છે પરંતુ મારૂ માનવું છે કે, પૂજારાએ વાસ્તવમાં બેજોડ પ્રદર્શન કર્યું છે. પૂજારાને લઈને ઘણા પ્રકારની નિવેદનબાજી કરવામાં આવી હતી જે તેના પક્ષમાં નહતી. તેના યોગદાનને ઓછુ કરીને આંકવામાં આવ્યું હતું. પૂજારા સિવાય આપણે બોલરોના યોગદાનને નજરઅંદાજ ન કરી શકીએ. બોલરોએ પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. 


ગોડ ઓફ ક્રિકેટના નામથી જાણીતા સચિને કહ્યું, ક્યાંકને ક્યાંક તે પૂજારા હતો જેણે જીત માટે મજબૂત પાયો નાખ્યો જેનો અન્ય બેટ્સમેનોએ ફાયદો ઉઠાવ્યો અને રન બનાવ્યા હતા. વિરાટે બીજી ટેસ્ટમાં રન બનાવ્યા. રહાણેએ કેટલિક મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ સિવાય પંત, જાડેજાએ પણ સારી બેટિંગ કરી હતી. મયંક અગ્રવાલે કરિયરની શાનદાર શરૂઆત કરી છે. 


તેમણે કહ્યું, તેમ છતાં મારે કોઈ એકના યોગદાન પર આંગળી રાખવી છે તો તે પૂજારા અને તેની સાથે બોલરોનું યોગદાન છે. તેંડુલકરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં 71 વર્ષમાં પ્રથમ ટેસ્ટ જીત યુવા પેઢીને પ્રેરિત કરશે. તેમણે કહ્યું, આ પ્રકારના પરિણામ વાસ્તવમાં મહત્વપૂર્ણ હોય છે. મને આજે પણ યાદ છે કે જ્યારે હું 10 વર્ષનો હતો અને ક્રિકેટ વિશે વધુ જાણતો નહતો, પરંતુ મને જાણવા મળ્યું કે, ભારતે વર્લ્ડ કપ (1983) જીત્યો છે અને ત્યાંથી મારી ક્રિકેટની યાત્રા શરૂ થઈ હતી.