નડાલ ફરી બન્યો વર્લ્ડ નંબર વન, 8મી વખત જીત્યો રોમ માસ્ટર્સનું ટાઇટલ
રાફેલ નડાલે રોમ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે.
રોમઃ રાફેલ નડાલે રોમ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. તે આઠમી વખત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે. નડાલે ફાઇનલમાં એલેક્જેન્ડર જ્વેરેવને 6-1, 1-6, 6-3થી પરાજય આપ્યો. આ સાથે તે ફરી એકવાર વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી બની ગયો છે.
સ્પેનિશ સ્ટાર નડાલે પ્રથમ સેટ સરળતાથી જીતી લીધો, પરંતુ ગત ચેમ્પિયન જર્મનીના જ્વેરેવે ત્યારબાદ આગામી 11માંથી 9 ગેમ બીજીને બીજો સેટ પોતાના નામે કરી લીધો. નિર્ણાયક સેટમાં એક સમયે જ્વેરેવ 3-1થી આગળ ચાલી રહ્યો હતો.
ત્યારબાદ વરસાદને કારણે મેચ ઘણા સમય સુધી બંધ રહ્યો. નડાલે મેચ શરૂ થયા બાદ જ્વેરેવને કોઈ ચાન્સ ન આપ્યો અને સતત પાંચ અંક જીતીને ટાઇટલ પોતાના નામે કરી લીધું.
ફ્રેન્ચ ઓપન પહેલા નડાલ માટે આ જીત મહત્વપૂર્ણ છે. આ સાથે તે ફરી વિશ્વનો નંબર વન ખેલાડી બની ગયો છે. ગત સપ્તાહે નડાલે મૈડ્રિડ માસ્ટર્સમાં ડોમિનિક થિમેય સામે હાર્યા બાદ રોજજ ફેડરર નંબર વન બની ગયો હતો.
નડાલે આ રીતે ક્લે કોર્ટ પર રમાયેલી છેલ્લા ચાર ટૂર્નામેન્ટમાંથી ત્રણમાં જીત મેળવી છે. હવે તે ફ્રેન્ચ ઓપનમાં 11માં ટાઇટલ માટે પોતાની દાવેદારી રજૂ કરશે.