RCBvsCSK: ચેન્નઈનું ખરાબ પ્રદર્શન યથાવત, ટૂર્નામેન્ટમાં પાંચમી મેચ હાર્યું, બેંગલોરનો 37 રને વિજય
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને 37 રને હરાવ્યું છે. આ હાર સાથે ચેન્નઈની પ્લેઓફનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. આ તેનો 5મો પરાજય છે.
દુબઈઃ કેપ્ટન વિરાટ કોહલી (90)ની અડધી સદી અને બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2020) 25મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 37 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. તો ચેન્નઈ માટે હવે ટૂર્નામેન્ટમાં પોતાની સફર મુશ્કેલ થઈ ગઈ છે. ચેન્નઈનો આ ટૂર્નામેન્ટમાં પાંચમો પરાજય છે. તેણે સાત મેચ રમી અને બે મેચ જીતી છે. તો આરસીબીનો છઠ્ઠી મેચમાં ચોથો વિજય છે. તે 8 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 4 વિકેટે 169 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન બનાવી શકી હતી.
ચેન્નઈની ઓપનિંગ જોડી ફેલ
બેંગલોરે આપેલા 170 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને ચોથી ઓવરના અંતિમ બોલ પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ફાફ ડુ પ્લેસિસ (8)ને વોશિંગટન સુંદરે મોરિસના હાથે કેચ કરાવી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ શેન વોટસન (14)ને સુંદરે બોલ્ડ કર્યો હતો. આમ માત્ર 25 રનના સ્કોર પર ચેન્નઈએ પોતાના બંન્ને ઓપનરો ગુમાવી દીધા હતા.
ત્યારબાદ એન જગાદેશન અને અંબાતી રાયડૂએ મળીને ટીમને સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. એન જગાદેશન 28 બોલમાં 34 રન બનાવી રનઆઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં ચાર બાઉન્ડ્રી ફટકારી હતી. મહેન્દ્ર સિંહ ધોની (10)ને યુજવેન્દ્ર ચહલે આઉટ કર્યો હતો. ધોનીએ 6 બોલનો સામનો કરતા એક છગ્ગો ફટકાર્યો હતો.
ચેન્નઈને પાંચમો ઝટકો સેમ કરનના રૂપમાં લાગ્યો હતો. કરનને ક્રિસ મોરિસે વિકેટકીપરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અંબાતી રાયડૂ (42)ને ઉસુરુ ઉડાનાએ બોલ્ડ કર્યો હતો. રાયડૂએ 40 બોલમાં 4 ચોગ્સા સાથે 42 રન ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવો સાત-સાત રન બનાવી ક્રિસ મોરિસના શિકાર બન્યા હતા.
બેંગલોર તરપથી ક્રિસ મોરિસ સૌથી સફળ બોલર રહ્યો હતો. મોરિસે 4 ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય વોશિંગટન સુંદરે 3 ઓવરમાં 16 રન આપીને બે સફળતા મેળવી હતી. તો યુજવેન્દ્ર ચહલ અને ઉસુરુ ઉડાનાને એક-એક સફળતા મળી હતી.
બેંગલોરની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પ્રથમ ઝટકો ઈનિંગની ત્રીજી ઓવરમાં લાગ્યો હતો. આરોન ફિન્ચ (2)ને દીપક ચાહરે બોલ્ડ કરીને ચેન્નઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ દેવદત્ત પડીક્કલે કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. બેંગલોરે 11મી ઓવરમાં 66 રનના સ્કોર પર દેવદત્ત પડીક્કલ (33)ના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. ઠાકુરે ચેન્નઈને આ સફળતા અપાવી હતી. દેવદત્તે 34 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
વિરાટ કોહલીની દમદાર ઈનિંગ
એબી ડિ વિલિયર્સ (0)ને ઠાકુરે આઉટ કરીને બેંગલોરને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ વોશિંગટન સુંદર (10)ને પણ સેમ કરને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. બેંગલોરની ટીમે એક સમયે માત્ર 93 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે માત્ર 33 બોલની રમત બાકી હતી.
ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ આ દરમિયાન પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી પૂરી કર્યા બાદ કોહલીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે અંતિમ ઓવરોમાં શિવમ દુબે સાથે મળીને ટીમનો સ્કોર 165ને પાર કરાવ્યો હતો. વિરાટ કોહલી અંતે 52 બોલમાં 4 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 90 રન બનાવી અણનમ રહ્યો હતો. તો શિવમ દુબેએ 14 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 22 રન બનાવ્યા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 40 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય સેમ કરન અને દીપક ચાહરને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube