સ્પોટ ફિક્સિંગ મામલામાં ક્રિકેટર શ્રીસંતને રાહત, સુપ્રીમ કોર્ટે આજીવન પ્રતિબંધ હટાવ્યો
કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈ તેની સજા પર ફરીથી વિચાર કરે અને તેના પર 3 મહિનામાં નિર્ણય કરે.
નવી દિલ્હીઃ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે ક્રિકેટર એસ શ્રીસંતને રાહત આપતા તેના પર લાગેલો આજીવન પ્રતિબંધ હટાવી લીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શ્રીસંતનું તે કહેવું અયોગ્ય છે કે બીસીસીઆઈ પાસે તેને સજા આપવાનો અધિકાર નથી. સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે, બીસીસીઆઈને કોઈપણ મામલામાં ક્રિકેટર પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર હોય છે, પરંતુ શ્રીસંતને આપવામાં આવેલી સજા વધુ છે. કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈ તેની સજા પર ફરીથી વિચાર કરે અને તેના પર 3 મહિનામાં નિર્ણય કરે.
મહત્વનું છે કે, 2013માં આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલો સામે આવ્યા બાદ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દિલ્હીની નિચલી કોર્ટે તેનો પ્રતિબંધ દૂર કર્યો હતો, પરંતુ કેરલ હાઈકોર્ટે નિચલી કોર્ટના નિર્ણયને પલટીને બીસીસીઆઈનો પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. મહત્વનું છે કે, બીસીસીઆઈએ શ્રીસંત પર આઈપીએલ-2013માં સ્પોટ ફિક્સિંગમાં દોષી સાબિત થયા પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. તેના વિરુદ્ધ શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પહેલા બીસીસીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટાબાજી અને રમતનું અપમાન કરવાનો આરોપ છે.
બીસીસીઆઈ તરફથી કોર્ટમાં દલીલ આપી રહેલા વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ કહ્યું હતું કે, રમતમાં ભ્રષ્ટાચાર અને સટ્ટાખોરી માટે આજીવન પ્રતિબંધ છે. ત્રિપાઠીએ આ મામલા પર બીસીસીઆઈની ઝીરો ટોલરન્સ નીતિનો હવાલો આપતા કોર્ટને જણાવ્યું કે, શ્રીસંતે ક્યારેય પણ બીસીસીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી શાખાની સામે તે વાતનો ઉલ્લેખ કર્યો નથી કે, સટ્ટોડીયાઓએ તેનો સંપર્ક કર્યો હતો. બીસીસીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, શ્રીસંતે તે 10 લાખ રૂપિયાના સ્ત્રોત વિશે પણ તપાસ સમિતિને ન કહ્યું, જેનો ઉલ્લેખ ટેલીફોન પર કરવામાં આવેલી વાતચીતમાં કર્યો હતો.
તેના પર શ્રીસંત તરફથી વરિષ્ઠ વકીલ સમાન ખુર્શીદે કહ્યું કે, તે બીસીસીઆઈએ સ્થાપિત કરવાનું છે કે, તે 10 લાખ રૂપિયા મેચ ફિક્સિંગ સાથે સંબંધિત છે. ટેલીફોન પર થયેલી વાતચીતને લઈને સલમાન ખુર્શીદે કહ્યું કે, લેતી-દેતી ત્યારે થાય જ્યારે ખેલાડી એક ઓવરમાં 14 રનથી ઓછા આપે. પોતાની વાત પૂરી કરતા ખુર્શીદે કોર્ટને કહ્યું હતું કે યુવા ક્રિકેટ ખેલાડી જે હવે યુવા નથી રહ્યો, પરંતુ હજુપણ તેનામાં ક્રિકેટને લઈને ઝનૂન બાકી છે, તેના કરિયરને બરબાદ થતું બચાવવામાં આવે. આ પહેલાની સુનાવણીમાં શ્રીસંતે કહ્યું હતું કે, તેણે દિલ્હી પોલીસના દબાવમાં ગુનો કબુલ કર્યો હતો.