હાર બાદ પંતે તોડ્યું મૌન, `મારો દેશ, મારી ટીમ, અમે મજબૂતીથી વાપસી કરીશું`
યુવા ખેલાડી રિષભ પંતે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજય બાદ મૌન તોડ્યું છે.
નવી દિલ્હીઃ યુવા ખેલાડી રિષભ પંતે હાર બાદ પ્રથમ વખત પોતાનું મૌન તોડ્યું છે. હકીકતમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વકપ-2019ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે જ્યારે ભારતની ચાર વિકેટ 24 રનમાં પાડી દીધી હતી ત્યારે હાર્દિક પંડ્યાની સાથે પંતે 47 રનની ભાગીદારી કરી પરંતુ ખોટો શોટ્સ રમીને આઉટ થયો હતો. પંત આઉટ થતાં કોહલી પણ ગુસ્સે થયો હતો. હવે પંતે એક ટ્વીટના માધ્યમથી પોતાનો જુસ્સો શેર કર્યો છે.
પંતે પોતાના એક ટ્વીટમાં લખ્યું, 'મારો દેશ, મારી ટીમ... મારૂ સન્માન. દેશે જે વિશ્વાસ અને પ્રેમ એક ટીમના રૂપમાં અમારા પર વ્યક્ત કર્યો, તેના માટે આભારી છું. અમે મજબૂતીથી વાપસી કરીશું.'
જામનગરના રાજવી જામસાહેબે જાડેજાની રમતની પત્ર લખી કરી પ્રશંસા
મેચ બાદ કર્યો બચાવ
મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પંતનો બચાવ કરતા કહ્યું કે, તે સમયની સાથે શીખી જશે. તેણે કહ્યું, 'તે સ્વાભાવિક ખેલાડી છે અને તેણે ખરાબ સ્થિતિમાંથી બહાર આવવા માટે સારૂ કામ કર્યું છે અને પંડ્યાની સાથે ભાગીદારી કરી. મને લાગે છે કે ત્રણ-ચાર વિકેટ ગુમાવ્યા બાદ તે જે પ્રકારે રમ્યો તે સારૂ હતું, તે હજુ યુવા છે. હું પણ જ્યારે યુવા હતો ત્યારે મેં પણ ઘણી ભૂલો કરી હતી, પરંતુ શીખ્યો, તે પણ શીખશે.'