નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રવિવારે 5 મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઇ હતી. ગુવાહાટીમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી સિવાય વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પણ સદી ફટકારી હતી. રોહિતે અણનમ 152 રનની ઈનિંગ દરમિયાન 8 સિક્સ ફટકારી હતી. આ સાથે તે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની લિસ્ટમાં ત્રીજા ક્રમે આવી ગયો છે, ઓવરઓલ 8માં નંબરે છે. તેણે ગાંગુલીને પાછડ છોડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ પહેલા રોહિત શર્માએ 188 વનડેમાં 186 સિક્સ ફટકારી હતી. હવે તેના નામે 189 મેચોની 183 ઈનિંગમાં 194 સિક્સ નોંધાયેલી છે. ગુવાહાટી મેચમાં હિટમેને સૌરવ ગાંગુલીના રેકોર્ડ (311 વનડે મેચોમાં 190 સિક્સ)ને પાછડ છોડ્યો છે. ભારતીયોના રેકોર્ડની વાત કરીએ તો તે માત્ર ધોની (217) અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (195)થી પાછળ છે. વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી વનડેમાં તેની પાસે સચિનને પાછડ છોડી અને 200 સિક્સના આંકડાને પાર કરવાની તક છે. 


અફરીદીના નામે છે વિશ્વ રેકોર્ડ
ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની વાત કરીએ તો આ વિશ્વ રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ અફરીદીના નામે છે. તેણે 398 વનડેમાં 351 સિક્સ ફટકારી છે. આ મામલે અફરીદી બાદ બીજો નંબર ક્રિસ ગેલનો આવે છે. તેણે 284 મેચમાં 275 સિક્સ ફટકારી છે. શ્રીલંકાના સનથ જયસૂર્યાએ વનડેમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે ત્રીજા સ્થાને છે. જયસૂર્યાના નામે 445 મેચોમાં 270 સિક્સ નોંધાયેલી છે. 

એમએસ ધોની અને ગૌતમ ગંભીર ભાજપની ટિકિટ પરથી લડી શકે છે 2019ની લોકસભા ચૂંટણીઃ રિપોર્ટ્સ


ભારતીયોમાં ધોની નંબર વન
ભારત તરફથી વનડેમાં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે મહેન્દ્ર સિંહ ધોની ટોપ પર છે. ધોનીએ 327 મેચોમાં 217 સિક્સ ફટકારી છે. તે ઓડીઆઈમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે. મહત્વનું છે કે વનડેમાં 190 સિક્સના આંકડા સુધી પહોંચનારા ભારતીય ખેલાડીઓમાં ધોની, સચિન, ગાંગુલી સિવાય રોહિત શર્મા સામેલ છે.