રોહિત શર્માએ વર્લ્ડ કપમાં 5મી સદી ફટકારી રચ્યો ઈતિહાસ, બની ગયો વિશ્વ રેકોર્ડ
વિશ્વ કપ 2019મા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ટૂર્નામેન્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા વિશ્વ કપ 2019મા કમાલ કરી રહ્યો છે. રોહિત કેમ મહાન બેટ્સમેનોના લિસ્ટમાં સામેલ થઈ જાય છે તે તેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે. હિટમેન રોહિતે શ્રીલંકા વિરુદ્ધ વિશ્વ કપ 2019મા પોતાની પાંચમી સદી ફટકારી હતી. આ સાથે તે વિશ્વ કપ ઈતિહાસમાં કોઈપણ એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિતે શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સાંગાકારાનો રેકોર્ડ તોડી દીધો છે. રોહિતે શ્રીલંકા વિરુદ્ધ 94 બોલ પર 103 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વનડે ક્રિકેટમાં આ રોહિત શર્માની 27મી સદી છે.
રોહિત શર્માની વિશ્વ કપ 2019મા પાંચમી સદી
વિશ્વ કપની 12મી સિઝનમાં રોહિતે પાંચમી સદી ફટકારીને જે સિદ્ધિ હાસિલ કરી છે તેને પાર કરવી કોઈપણ બેટ્સમેન માટે ભવિષ્યમાં સરળ રહેશે નહીં. વિશ્વ કપ ટૂર્નામેન્ટની એક સિઝનમાં કોઈપણ બેટ્સમેન આ કમાલ કરી શક્યો નથી. પાછલા વિશ્વ કપમાં સાંગાકારાએ ચાર સદી ફટકારી હતી. રોહિતે શ્રીલંકા વિરુદ્ધ 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન આ છે.
રોહિત શર્મા - 5 સદી (2019)
કુમાર સંગકારા - 4 સદી (2015)
માર્ક વો - 3 સદી (1996)
સૌરવ ગાંગુલી - 3 સદી (2003)
મેથ્યુ હેડન - 3 સદી (2007)
સચિનની નજીક પહોંચ્યો રોહિત
રોહિત શર્મા આ વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગો છે. તેણે શાકિબ અલ હસનને પાછળ છોડી દીધો છે. તે વિશ્વકપની એક સિઝનમાં સચિન બાદ ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. સચિને 2003ના વિશ્વ કપમાં 673 રન બનાવ્યા હતા. રોહિત જે ફોર્મમાં છે તેનાથી લાગી રહ્યું છે કે, તે સચિનનો રેકોર્ડ તોડી દેશે.
વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ રન
673 સચિન તેંડુલકર (2003)
659 મેથ્યૂ હેડન (2007)
647 રોહિત શર્મા (2019)
606 શાકિબ અલ હસન (2019)
સચિનના આ રેકોર્ડની બરોબરી કરી રોહિતે
વનડે વિશ્વ કપમાં સચિન તેંડુલકરે સૌથી વધુ છ સદી ફટકારી છે. રોહિતે હવે આ મામલે તેની બરોબરી કરી લીધી છે. એટલે કે રોહિત વિશ્વ કપમાં સદી ફટકારવા મામલે સચિનની સાથે સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બીજા નંબર પર રિકી પોન્ટિંગ અને કુમાર સાંગાકારા પાંચ-પાંચ સદી સાથે સંયુક્ત રૂપથી બીજા સ્થાન પર છે.
વિશ્વ કપ સદી:
સચિન તેંડુલકર / રોહિત શર્મા - છઠ્ઠી સદી
રિકી પોન્ટિંગ / કુમાર સંગકારા - 5 સદી
રોહિતે સચિનને છોડ્યો પાછળ
રોહિતે પોતાની 16મી ઈનિંગમાં વિશ્વ કપની છઠ્ઠી સદી ફટકારી છે, જ્યારે સચિને પોતાની 44 ઈનિંગમાં છ સદી ફટકારી હતી. અહીં રોહિત સચિનથી આગળ નિકળી ગયો છે.