IPL 2018: પંજાબ પર ચાલ્યું બેંગલુરૂનું બુલડોઝર, વિરાટ સેનાનો 10 વિકેટે વિજય
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ માત્ર 88 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઈન્દોરઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન કોહલી (48*) અને પાર્થિવ પટેલ (40*)ની પ્રથમ વિકેટની 92 રનની વિજયી ભાગીદારીથી રોયલ ચેલેજર્સ બેંગલોરે કિંગ્સ ઈલેવન પંજાબને 10 વિકેટે પરાજય આપ્યો છે. પંજાબે આપેલા 89 રનના લક્ષ્યને બેંગલુરૂએ માત્ર 8.1 ઓવરમાં હાસિલ કરી લીધો હતો. કોહલીએ 28 બોવમાં 6 ફોર અને બે સિક્સ ફટકારી હતી. પાર્થિવે 22 બોલમાં સાત બાઉન્ટ્રી ફટકારી હતી. આ હાર સાથે પંજાબ માટે પ્લેઓફમાં પહોંચવાનું કઠિન બની ગયું છે. પંજાબના હવે બે મેચ બાકી છે. તેણે પ્લેઓફમાં પહોંચવા માટે બંન્ને મેચમાં વિજય મેળવવો જરૂરી છે. બેંગલોરે આ જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી છે.
આ પહેલા પંજાબ માટે રાહુલ (21) અને ક્રિસ ગેલ (18)ની જોડી ઓપનિંગ કરવા આવી હતી. બંન્ને બેટ્સમેનોએ સંભાળીને ઈનિંગની શરૂઆત કરી અને પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર 14 રન બન્યા હતા. આ 14 રનમાં રાહુલે બે સિક્સ ફટકારી હતી. ત્યારબાદ ગેલે સાઉથીને એક ઓવરમાં ત્રણ બાઉન્ટ્રી ફટકારી હતી. પરંતુ આ સીઝનમાં પાવરપ્લેમાં સૌથી ખતરનાક ઉમેશ યાદવે આગામી ઓવરમાં પહેલા કેએલ રાહુલ અને પછી ગેલને આઉટ કરીને પંજાબને એક ઓવરમાં બે ઝટકા આપ્યા હતા.
આ બે વિકેટ બાદ પંજાબની બેટિંગ ધરાસાઈ થઈ હતી. કરૂણ નાયર માત્ર 1 રન બનાવીને સિરાજની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. ત્યારબાદ સ્ટોઈનિસ ચહલની બોલિંગમાં માત્ર બે રન બનાવીને બોલ્ડ થતા પંજાબે ચોથી વિકેટ ગુમાવી હતી. મયંક અગ્રવાલ (2) ગ્રાન્ડહોમેની બોલિંગમાં પાર્થિવના હાથે કેચઆઉટ થયો હતો. આ રીતે માત્ર 8.5 ઓવરમાં 61 રનના સ્કોર પંજાબની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.
ત્યારબાદ એરોને ફિન્ચે પંજાબની ડૂબતી નાવને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ 2 સિક્સ અને 1 ફોર ફટકાર્યા બાદ તે મોઈન અલીની બોલિંગમાં વિરાટના હાથે કેચઆઉટ થયો. તેણે 23 બોલમાં 26 રન બનાવ્યા હતા. ત્યારબાદ અશ્વિન (0), ટાય (0), મોહિત શર્મા (3) અને અંકિત શર્મા (1) બેટિંગમાં આવ્યા અને ચાલ્યા ગયા. પંજાબે તેની ત્રણ વિકેટ રનઆઉટના રૂપમાં ગુમાવી હતી. અંતિમ પાંચ વિકેટ માત્ર 27 રનમાં ગુમાવીને ટીમ માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.