અબુધાબીઃ મોહમ્મદ સિરાજ (8/3) અને યુજવેન્દ્ર ચહલ (14/2)ની ઘાતક બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ અહીં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 39મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ને 8 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સાતમી જીત મેળવી છે. આ જીત સાથે આરસીબીની ટીમ 14 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. કોલકત્તાની ટીમનો આ 10મી મેચમાં 5મો પરાજય છે અને તે 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 8 વિકેટે 84 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે 13.3 ઓવરમાં 2 વિકેટે 85 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલોરનો ધમાકેદાર વિજય
કોલકત્તાએ આપેલા 85 રનનો લક્ષ્ય હાસિલ કરવા ઉતરેલી બેંગલોરને ઓપનિંગ જોડી આરોન ફિન્ચ અને દેવદત્ત પડીક્કલે સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 46 રન જોડ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો ફિન્ચ (16)ના રૂપમાં લાગ્યો જેને ફર્ગ્યુસને આઉટ કર્યો હતો. પડીક્કલ (25) રન બનાવી રનઆઉટ થયો હતો. 


ગુરકીરત સિંહ માન 26 બોલમાં 4 ચોગ્ગા સાથે 21 અને વિરાટ કોહલી 17 બોલમાં બે ચોગ્ગા સાથે 18 રન બનાવી અણનમ રહ્યા હતા. કોલકત્તા તરફથી એકમાત્ર સફળતા લોકી ફર્ગ્યુસનને મળી હતી. 


કોલકત્તાના બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કેપ્ટન મોર્ગનને ભારે પડ્યો હતો. આજે તેના બેટ્સમેન ક્રિઝ પર આવવાની સાથે પેવેલિયન પરત ફરી રહ્યાં હતા. ટીમે માત્ર 3 રન પર ત્રણ, 14 રનમાં ચાર અને 32 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને ઈનિંગની બીજી ઓવરમાં રાહુલ ત્રિપાઠી (1)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ વિકેટ પડવાની લાઇન લાગી હતી. શુભમન ગિલ (1), નીતીશ રાણા (0), ટોમ બેન્ટન (10), દિનેશ કાર્તિક (4) રન બનાવી આઉટ થયા હતા. 


કોલકત્તા તરફથી કેપ્ટન ઇયોન મોર્ગને સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. આ સિવાય પેટ કમિન્સ 4, કુલદીપ યાદવે 12 અને લોકી ફર્ગ્યુસને 19 રન બનાવ્યા હતા. કોલકત્તાની ટીમ 20 ઓવરમાં માત્ર 84 રન બનાવી શકી હતી. આ આઈપીએલ 2020નો સૌથી ઓછો સ્કોર છે. 


મોહમ્મદ સિરાજે રચ્યો ઈતિહાસ
બેંગલોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઈતિહાસ રચ્યો છે. તેણે કોલકત્તા વિરુદ્ધ ઘાતક બોલિંગ કરી હતી. સિરાજે 4 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે બે ઓવર મેડન પણ ફેંકી હતી. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સતત બે ઓવર મેડન ફેંકનારો પ્રથમ બોલર બની ગયો છે. આજે સિરાજ અલગ લયમાં જોવા મળ્યો હતો. તેણે શરૂઆતમાં જ બેટ્સમેનોને બેકફૂટ પર ધકેલી દીધા હતા. 


સિરાજ સિવાય બેંગલોર તરફથી ચહલે 4 ઓવરમાં 15 રન આપીને બે તથા નવદીપ સૈની અને વોશિંગટન સુંદરને એક-એક સફળતા મળી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર