RRvsDC: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને 13 રને હરાવ્યું
દિલ્હી કેપિટલ્સ ફરી પોતાના બોલરોના ધમાકેદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સને હરાવવામાં સફળ રહી છે. આ જીતની સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા રાજસ્થાન રોયલ્સ (RR)ને 13 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં છઠ્ઠી જીત મેળવી છે. આ જીત સાથે દિલ્હી 12 પોઈન્ટ મેળવીને ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ અય્યર-ધવનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 148 રન બનાવી શકી હતી. તો રાજસ્થાનનો આ પાંચમો પરાજય છે.
રાજસ્થાનની સારી શરૂઆત
દિલ્હીએ આપેલા 162 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને સારી શરૂઆત મળી હતી. બેન સ્ટોક્સ અને જોસ બટલરે ત્રણ ઓવરમાં 37 રન જોડ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો જોસ બટલર (22)ના રૂપમાં લાગ્યો હતો. નોર્ત્જેએ તેને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. બટલરે 9 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સ્ટીવ સ્મિથ માત્ર 1 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો.
દિલ્હી કેપિટલ્સને બેન સ્ટોક્સના રૂપમાં ત્રીજી સફળતા મળી હતી. સ્ટોક્સ (41)ને પોતાની પ્રથમ મેચ રમી રહેલા તુષાર દેશપાંડેએ આઉટ કર્યો હતો. સ્ટોક્સે 35 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. સંજૂ સેમસન સારી શરૂઆત બાદ ફરી આઉટ થઈ ગયો હતો. સેમસને 18 બોલમાં 2 છગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા. રિયાન પરાગ (1)ને અક્ષર પટેલે રનઆઉટ કર્યો હતો. રોબિન ઉથપ્પા ફરી એકવાર સેટ થયા બાદ આઉટ થયો હતો. ઉથપ્પા (32)ને એનરિક નોર્ત્જેએ આઉટ કર્યો હતો. ઉથપ્પાએ 27 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
જોફ્રા આર્ચર (1)ને કગિસો રબાડાએ બોલ્ડ કર્યો હતો. શ્રેયસ ગોપાલ 6 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હી તરફથી અનરિક નોર્ત્જે અને તુષાર દેશપાંડેએ બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય અશ્વિન, રબાડા અને અક્ષર પટેલને એક-એક સફળતા મેળવી હતી.
પૃથ્વી શો પ્રથમ બોલ પર આઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને પ્રથમ ઝટકો ઈનિંગના પ્રથમ બોલ પર લાગ્યો હતો. પૃથ્વી શોને જોફ્રા આર્ચરે બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ અંજ્કિય રહાણે (2)ને પણ જોફ્રાએ ઉથપ્પાના હાથે કેચઆઉટ કરીને રાજસ્થાન રોયલ્સને બીજી સફળતા અપાવી હતી. આમ 10 રનના સ્કોર પર દિલ્હીએ બે વિકેટ ગુમાવી હતી.
અય્યર-ધવને સંભાળી બાજી
શરૂઆતમાં બે વિકેટ પડ્યા બાદ શિખર ધવન અને શ્રેયસ અય્યરે ઈનિંગને સંભાળી હતી. દિલ્હીએ પાવરપ્લેમાં 47 રન બનાવ્યા હતા. અય્યર અને ધવને બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. ધવને સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. ધવન 33 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા શ્રેયસ ગોપાલને મળી હતી.
દિલ્હીને ચોથો ઝટકો અય્યરના રૂપમાં લાગ્યો હતો. કેપ્ટન શ્રેયસ (53)ને કાર્તિક ત્યાગીએ આઉટ કર્યો હતો. તેણે 43 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. માર્કસ સ્ટોયનિસ 18 રન બનાવી આર્ચરનો શિકાર બન્યો હતો. એલેક્સ કેરી 14 રન બનાવી ઉનડકટનો શિકાર બન્યો હતો. અક્ષર પટેલે સાત રન બનાવ્યા હતા.
રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જયદેવ ઉનડકટે 3 મેચમાં 32 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય કાર્તિક ત્યાગી અને શ્રેયસ ગોપાલને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube