WI vs SA: આફ્રિકાએ રચ્યો ઈતિહાસ, ટી20માં રેકોર્ડ રનચેઝ કરી વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું
આ જીતની સાથે સાઉથ આફ્રિકાની ટીમે સિરીઝમાં હવે 1-1ની બરોબરી કરી લીધી છે. સિરીઝની પ્રથમ મેચમાં વરસાદનું વિઘ્ન હતું પરંતુ ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમને જીત મળી હતી.
સેન્ચુરિયનઃ ત્રણ ટી20 મેચની સિરીઝના બીજા મુકાબલામાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવી ઈતિહાસ રચી દીધો છે. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સાઉથ આફ્રિકાની ટીમે સૌથી મોટા રન રેઝનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા 258 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે 18.5 ઓવરમાં 4 વિકેટના નુકસા પર 259 રન બનાવી લીધા. બેટિંગમાં સાઉથ આફ્રિકા માટે ઓપનર ક્વિન્ટન ડિકોકે શાનદાર 45 બોલમાં સદી ફટકારી હતી.
ડિકોકે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 સિક્સની મદદથી 100 રન ફટકાર્યા હતા. ડિકોક સિવાય આફ્રિકા માટે રીઝા હેંડરિક્સે 68 રનની આક્રમક ઈનિંગ રમી હતી. રીઝાએ 11 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય કેપ્ટન એડન માર્કરામે 21 બોલમાં અણનમ 38 રન ફટકાર્યા હતા. તો રાઇલી રૂસો અને હેનરી ક્લાસેને 16-16 રનનું યોગદાન આપ્યું હતું.
આ રીતે સાઉથ આફ્રિકાની ટીમે સૌથી મોટી જીતની સાથે સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં આ પહેલાં વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો.
આ પણ વાંચોઃ બોક્સિંગમાં ટીમ ઈન્ડિયાની ગોલ્ડન હેટ્રિક, નિખત ઝરીને સોનું જીતી રચ્યો ઈતિહાસ
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગનો સ્ટાર રહ્યો ચાર્લ્સ
ટોસ હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી તો તેની શરૂઆત સારી રહી નહીં. ટીમે પોતાની પ્રથમ વિકેટ ત્રીજી ઓવરમાં ગુમાવી દીધી હતી. બ્રેન્ડન કિંગ માત્ર એક રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ જોનસન ચાર્લ્સ અને કાઇલ મેયર્સે ધમાકેદાર પ્રદર્શન કર્યું. ચાર્લ્સે એક તરફ 39 બોલમાં સદી ફટકારી દીધી તો મેયર્સે પોતાની ઈનિંગમાં 27 બોલમાં 51 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના બેટરો અહીં રોકાયા નહીં. કેપ્ટન રોવમૈન પોવેલ અને રોમારિયો શેફર્ડે પણ આફ્રિકાના બોલરોની ધોલાઈ કરી હતી. શેફર્ડ 18 બોલમાં 41 રન બનાવી અણનમ રહ્યો તો રોવમૈન પોવેલે 19 બોલમાં 28 રન ફટકાર્યા હતા. ઓડિયન સ્મિથ 11 રન બનાવી અણનમ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube