સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ શાહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
સૌરાષ્ટ્ર ટીમના સીનિયર ખેલાડી અને કેપ્ટન જયદેવ શાહે વર્ષ 2002/03મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.
રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના સીનિયર ખેલાડી અને છેલ્લા ઘણા વર્ષોથી ટીમની કમાન સંભાળી રહેલા જયદેવ શાહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. આવતીકાલથી કર્ણાટક સામે શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની મેચ તેના કરિયરની અંતિમ મેચ બની રહે છે. મહત્વનું છે કે, જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને બીસીસીઆઈના સચિવ નિરંજન શાહનો પુત્ર છે. તેણે બુધવારે નિવૃતીની જાહેરાત કરી હતી. જયદેવ શાહની નિવૃતી બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આગામી દિવસોમાં નવા કેપ્ટનની જાહેરાત કરશે.
4 મે 1983મા જન્મેલા જયદેવ શાહે વર્ષ 2002/03મા પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે છેલ્લા 16 વર્ષથી સતત સૌરાષ્ટ્ર ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યો છે. તે આવતીકાલે પોતાના કરિયરની 120મી ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. તેણે અત્યાર સુધી 110 મેચમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું છે, જે પણ એક રેકોર્ડ છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રનો આ બેટ્સમેન ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. આઈપીએલની બીજી સિઝનમાં તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી પર્દાપણ કર્યું હતું, પરંતુ તેજ તેના આઈપીએલ કરિયરની અંતિમ મેચ બની ગઈ હતી. ત્યારબાદ તેને બીજી ટીમમાં તક મળી પરંતુ તે અંતિમ ઈલેવનમાં ક્યારે જગ્યા બનાવી શક્યો નથી.
આવતીકાલથી રાજકોટમાં શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર વિરુદ્ધ કર્ણાટકની મેચ તેના કરિયરની અંતિમ મેચ બની રહેશે. જયદેવ શાહની આગેવાનીમાં સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફી (2012-13 અને 2015-16)માં ઉપ વિજેતા રહી છે અને બે વખત ટીમે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેની આગેવાનીમાં સૌરાષ્ટ્રે 2007/08માં વિજય હજારે ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.
જયદેવ શાહને આઈપીએલમાં સૌ પ્રથમ ડેક્કન ચાર્જર્સે ખરીદ્યો હતો. ત્યારબાદ તે રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાતની ટીમે તેને પોતાની ટીમમાં ખરીદ્યો હતો. પરંતુ તેને આઈપીએલમાં માત્ર એક વખત રમવાની તક મળી હતી.
જયદેવ શાહના કરિયર પર એક નજર
ફર્સ્ટ ક્લાસ
મેચ 119 ઈનિંગ 186 રન 5253 એવરેજ 29.67
લિસ્ટ એ
મેચ 65 ઈનિંગ 64 રન 1277 એવરેજ 20.26
ટી20
મેચ 36 ઈનિંગ 35 રન 551 એવરેજ 16.20