સિડનીઃ સેરેના વિલિયમ્સ આ વખતે યુએસ ઓપનની ફાઈનલ મેચમાં અમ્પાયર સાથેના ઝઘડા બાદ ફરી એક વખત ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ હાર-જીત કે કોઈ વિવાદ નથી, પરંતુ એક કાર્ટૂન છે. ઓસ્ટ્રેલિયાના એક કાર્ટૂનિસ્ટનું કાર્ટૂન અખબારમાં પ્રકાશિત થયું છે. જેને હવે જાતિવાદી અને મહિલા વિરોધી કહેવાઈ રહ્યું છે. હેરી પોર્ટરની લેખિકા જે.કે. રોલિંગે પણ તેને 'જાતિવાદી અને લિંગભેદ'થી ભરપૂર કાર્ટૂન જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સેરેના વિલિયમ્સનું આ કાર્ટૂન ઓસ્ટ્રેલિયાના અખબાર હેરાલ્ડ સને પ્રકાશિત કર્યું છે. (ફોટોઃ @therheraldsun)


માર્ક નાઈટનું આ કાર્ટૂન સોમવારે મેલબર્નના 'હેરાલ્ડ સન' અખબારમાં પ્રકાશિત થયું છે. જેમાં સેરેના વિલિયમ્સને યુએસ ઓપનમાં પોતાના તુટેલા રેકેટ પર કુદતી બતાવાઈ છે. સેરેના શનિવારે આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જાપાનની નાઓમી ઓસાકા સામે હારી ગઈ હતી. તેણે આ મેચ દરમિયાન અમ્પાયર સાથે અનેક વખત ઝઘડો કર્યો હતો. 


હેરી પોર્ટરની લેખિકા જે.કે. રોલિંગે જણાવ્યું કે, આ કાર્ટૂન એ બાબત દર્શાવે છે કે કેવી રીતે દુનિયાના મહાન ખેલાડીઓમાંની એકનું આકલન કરતાં સમયે જાતિવાદ અને લિંગભેદને આધાર બનાવાયો છે. જોકે, સોશિયલ મીડિયા પર આ બાબતે ચર્ચા ચલાતી રહી કે આ કાર્ટૂન જાતિવાદી છે કે નહીં. એક યુઝરે લખ્યું કે, 'કોર્ટમાં કંઈ પણ વ્હાઈટ કે બ્લેક હોતું નથી. આથી, આ બાબતને મુદ્દો ન બનાવો. આ તો સ્પોર્ટ્સમેન સ્પિરીટની બાબત છે.'


મારું કાર્ટૂન સેરેનાના વ્યવહાર પર આધારિત છેઃ માર્ક
સેરેનાનું કાર્ટૂન બનાવનારા માર્ક નાઈટે જણાવ્યું કે, 'હેરાલ્ડ સનમાં પ્રકાશિત મારું આજનું કાર્ટૂન સેરેના વિલિયમ્સના ખરાબ વ્યવહાર પર આધારિત છે. ' હેરાલ્ડ સનના સંપાદક ડેમોન જોન્સ્ટને પણ જણાવ્યું કે, 'સેરેનાના કાર્ટૂનમાં એવું કશું પણ નથી, જેને જાતિવાદ કે લિંગભેગ સાથે જોડી શકાય.' તેની સાથે જ અખબારે આ કાર્ટૂન બાબતે માફી માગવાના સવાલોને પણ ફગાવી દીધા છે. 



જાપાનની નાઓમી ઓસાકા (વચ્ચે)એ શનિવારે યુએસ ઓપનની ફાઈનલમાં સેરેના વિલિયમ્સને હરાવી હતી. તે આ ટાઈટલ જીતનારી જાપાનની પ્રથમ ખેલાડી છે. (ફોટો- આઈએએનએસ)


સેરેનાએ ચેર અમ્પાયરને 'ચોર' કહ્યો હતો 
સેરેના વિલિમ્સ ત્રણ દિવસ પહેલાં જાપાનની નાઓમી ઓસાકા સામે યુએસ ઓપનની ફાઈનલ મેચમાં હારી ગઈ હતી. આ મેચ દરમિયાન ચેર અમ્પાયર કાર્લોસ રામોસે બોક્સમાંથી કોચિંગ લેવાને કારણે સેરેનાને ચેતવણી આપી હતી. સેરેનાએ આ બાબતે અમ્પાયર સાથે મોટો ઝઘડો કર્યો હતો. મેચ પુરી થયા બાદ સેરેનાએ અમ્પાયરને 'ચોર' અને 'જૂઠ્ઠો' પણ કહ્યું હતું. ત્યાર બાદ યુએસ ઓપનના આયોજકો દ્વારા સેરેના પર ટેનિસ નિયમોના ઉલ્લંઘન માટે 17,000 ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.