બાંગ્લાદેશને લાગ્યો મોટો ઝટકો, શાકિબ અલ-હસન T20 વિશ્વકપમાંથી થયો બહાર
આઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12 રાઉન્ડમાં સતત ત્રણ મેચ હારીને સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયેલી બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
દુબઈઃ યૂએઈ અને ઓમાનમાં ચાલી રહેલ આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ ટી20 વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. શાકિબ ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને છે.
બાંગ્લાદેશે અત્યાર સુધી પોતાની ત્રણેય મેચ ગુમાવી છે અને ટીમ સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ચુકી છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવારે દુબઈમાં ટક્કર થશે. આ બંને ટીમોના ગ્રુપમાં આ સમયે ઈંગ્લેન્ડ ત્રણ મેચમાં ત્રણ જીત સાથે ટોપ પર છે. શાકિબના નામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડ તેણે આ ટી20 વિશ્વકપમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં બનાવ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube