શેન વોર્નની આત્મકથા `નો સ્પિન`નું ઓક્ટોબરમાં લોકાર્પણ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 (ટેસ્ટ અને વનડે)થી વધુ વિકેટ ઝડપનાર શેન વોર્નને આ રમતના મહાનતમ બોલરમાંથી એક માનવામાં આવે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 3000થી વધુ રન પણ બનાવ્યા છે.
નવી દિલ્હીઃ મહાન સ્પિનર શેન વોર્ન પોતાના ક્રિકેટ કેરિયર અને વ્યક્તિગત જિંદગીના કેટલાક અજાણ્યા કિસ્તાઓને પોતાની આત્મકથા નો સ્પિનના માધ્યમથી જાહેર કરશે જે આ વર્ષે ઓક્ટોબરમાં પ્રકાશિત થશે.
ઇબરી પ્રેસે આજે જાહેરાત કરી કે શેન વોર્નની આત્મકથા 'નો સ્પિન'ને વૈશ્વિક સ્તર પર ચાર ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે.
ઇબરીના ઉપ પ્રકાશક એંડ્રયૂ ગુડફેલ્લોએ કહ્યું કે 'નો સ્પિન'માં વોર્નની સાચી વાતો છે જે સમાચારોના શિર્ષકોની પાછળની સાચી કહાની અને તેની સાથે જોડાયેલા માન્યતા અને જૂઠને પડકાર આપશે.
તેમણે કહ્યું કે, બેબાક અને દમદાર રીતે કહેવાયેલી વાતોને કારણે આ સૌથી શાનદાર રમત આત્મકથાઓમાંથી એક હશે.
'બોલ ઓફ ધ સેન્ચુરી'થી વોર્નની જિંદગીમાં આવ્યું પરિવર્તન
ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્ને 4 જૂન 1993ના એશિઝ શ્રેણી દરમિયાન એક એવો જાદૂઈ બોલ ફેંક્યો, જેનાથી વિશ્વમાં બધા ચોંકી ગયા. વોર્નના આ બોલને 'બોલ ઓફ ધ સેન્ચુરી'નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
વોર્ને ઈંગ્લેન્ડ વિરુદ્ધ માનચેસ્ટર ટેસ્ટમાં અંગ્રેજ બેટ્સમેન માઇક ગેટિંગને બોલ્ડ કર્યો. આ બોલ લગભગ 90 ડિગ્રીના કોણથી ઘૂમ્યો હતો, જેને જોઈને તમામ હેરાન થઈ ગયા હતા.
વોર્નનો બોલ લેગ સ્ટંપથી ઘણો બહાર પિચ થયો અને તેવું લાગી રહ્યું હતું કે બોલ વાઇડ થઈ શકે છે, તે કારણે ગેટિંગે તેને રમવાનો પ્રયત્ન ન કર્યો. આ બોલ જોરદાર સ્પિન થયો અને સ્ટંપ પર લાગ્યો.
આવું રહ્યું વોર્નનું કેરિયર
મહત્વનું છે કે વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે વિશ્વનો બીજો બોલર છે. તેણે 145 ટેસ્ટ મેચમાં 708 વિકેટ ઝડપી હતી. જેમાં 37 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ અને 10 વખત મેચમાં 10થી વધુ વિકેટ સામેલ છે. તેનાથી અંદાજ લગાવી શકાય કે, વોર્ન કેટલો ઘાતક બોલર હતો. તેણે 194 વનડે મેચમાં 293 વિકેટ ઝડપી હતી.