IND vs SL: યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, પ્રથમ વનડેમાં ભારતનો 7 વિકેટે વિજય
શ્રીલંકાના પ્રવાસ પર ભારતે જીત સાથે શરૂઆત કરી છે. શિખર ધવનની આગેવાનીમાં પ્રથમ વનડેમાં ટીમે સાત વિકેટે જીત મેળવી છે.
કોલંબોઃ ભારતે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમાં યજમાન શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપી શાનદાર શરૂઆત કરી છે. આ સાથે શિખર ધવનની આગેવાનીમાં ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 36.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન શિખર ધવને અણનમ 86 અને ઈશાન કિશને 59 રન બનાવ્યા હતા.
ભારતની ઈનિંગ, ધવન-ઇશાનની અડધી સદી
શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં કેપ્ટન શિખર ધવન સાથે પૃથ્વી શો ઈનિંગની શરૂઆત કરવા ઉતર્યા હતા. યુવા બેટ્સમેન શોએ ધમાકેદાર શરૂઆત કરતા ટીમનો સ્કોર 5મી ઓવરમાં 50ને પાર પહોંચાડી દીધો હતો. શો 24 બોલમાં 43 રન બનાવી આઉટ થયો હતો. ધનંજય ડિ સિલ્વાના બોલ પર આઉટ થતાં પહેલા તેણે 9 ચોગ્ગા ફટકાર્યા હતા.
જન્મદિવસના ખાસ દિવસે પર્દાપણ કરનાર ઈશાન કિશને ક્રિઝ પર આવતા પ્રથમ બોલ પર સિક્સ ફટકારી. તેણે છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ધનંજયના માથા ઉપરથી હવામાં શોટ રમ્યો હતો. ત્યારબાદ તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઇશાન કિશને 32 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. રસપ્રદ વાત એ પણ છે કે કિશને ટી20 ડેબ્યૂમાં પણ ચોગ્ગો ફટકારી શરૂઆત કરી હતી. ઈશાન કિશન 42 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 59 રન બનાવી આઉટ થયો હતો.
શિખર ધવને વનડે કરિયરની 33મી અડધી સદી ફટકારી હતી. ધવન 95 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સ સાથે 86 રન બનાવી અણનમ રહ્યો હતો. મનીષ પાંડે 26 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 5 ચોગ્ગા સાથે અમનમ 31 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ IND vs SL: ઈશાન કિશને જન્મદિવસ પર કર્યુ પર્દાપણ, પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
શ્રીલંકાની ઈનિંગ
શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકા ઓપનિંગ કરવા ઉતર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. ટીમને પ્રથમ ઝટકો 10મી ઓવરમાં લાગ્યો. ચહલે અવિષ્કા ફર્નાન્ડોને 32 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. કુલદીપે 17મી ઓવરમાં ભાનુકા રાજપક્ષેને 24 રન પર આઉટ કરી ટીમને બીજી સફળતા અપાવી હતી. આજ ઓવરમાં કુલદીપે મિનોદ ભાનુકાને 27 રન પર આઉટ કરી લંકાને ત્રીજો ઝટકો આપ્યો હતો. ધનંજય ડિ સિલ્વાને ક્રુણાલ પંડ્યાએ આઉટ કર્યો હતો. તેણે 14 રન બનાવ્યા હતા.
ચમિકા કરૂણારત્ને 43 રન બનાવી અણનમ રહ્યો
દીપક ચાહરે ચરિત અસલંકાને આઉટ કરી ટીમને પાંચમો ઝટકો આપ્યો હતો. તે 38 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ચહરે વનિન્દુ હસરંગાને 8 રન આઉટ કરી ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. દાનુસ શનાકાને ચહલે આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ ઉસુરુ ઉડાનાને આઉટ કરી ટીમને આઠમી સફળતા અપાવી હતી. તે આઠ રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને દીપક યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક અને કૃણાલ પંડ્યાને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube