સ્મૃતિ મંધાનાનો T-20 આંતરરાષ્ટ્રીયમાં ધમાકો, ફટકારી સૌથી ઝડપી અડધી સદી
સ્મૃતિ મંધાનાએ ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત તરફથી સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી20માં 24 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝમાં 'પ્લેયર ઓફ ધ સિરીઝ' રહેલી સ્મૃતિ મંધાનાએ ટી-20 સિરીઝમાં પણ શાનદાર પ્રારંભ કર્યો છે. 22 વર્ષની મંધાનાએ બુધવારે વેલિંગટનના વેસ્ટપૈક સ્ટેડિયમમાં જોરદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો ભારતીય ટીમ ન ઉઠાવી શકી, 160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 19.1 ઓવરોમાં 136 રનમાં આઉટ થઈ ગઈ અને મેચ 23 રને હારી ગઈ હતી. આ સાથે મહિલા ટીમ સિરીઝમાં 0-1થી પાછળ રહી ગઈ છે. બીજી ટી20 મેચ ઓકલેન્ડમાં 8 ફેબ્રુઆરીએ રમાશે.
મંધાના ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ભારત તરફથી સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર મહિલા બેટ્સમેન બની ગઈ છે. તેણે 34 બોલમાં 58 રન (7 ચોગ્ગા અને 3 સિક્સ)ની ઈનિંગ દરમિયાન 24 બોલમાં અડધી સદી ફટકારીને પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે આ પહેલા ગત વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુંબઈમાં 25 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ભારત તરફતી મહિલા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી અડધી સદી
24 બોલમાં- સ્મૃતિ મંધાના vs ન્યૂઝીલેન્ડ, 2019ટ
25 બોલમાં - સ્મૃતિ મંધાના vs ઈંગ્લેન્ડ, 2018
ઓવરઓલ ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાની વાત કરીએ તો આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનના નામે છે, જેણે 2005માં બેંગલુરૂમાં ભારત વિરુદ્ધ 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ઓપનિંગ બેટ્સમેન મંધાના આ દિવસોમાં તોફાની ફોર્મમાં છે. તેણે કીવી વિરુદ્ધ પ્રથમ બે વનડેમાં 90 અને 105 રનની શાનદાર ઈનિંગ રમી હતી.