નવી દિલ્હીઃ 19 વર્ષિય અફઘાન લેગ સ્પિનર રાશિદ ખાનના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ જીતમાં ટ્રંપકાર્ડ સાબિત થયેલા રાશિદે પહેલા બેટિંગમાં 10 બોલમાં 34 રન બનાવ્યા. ત્યારબાદ બોલિંગમાં રાશિદે 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી. એટલું જ નહીં રાશિદે એક રન આઉટ કર્યો અને અંતિમ ઓવરમાં ડીપ મિડવિકેટ પર બે શાનદાર કેચ પણ ઝડપ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની શાનદાર રમતને લઈને રાશિદ ખાન ચર્ચામાં છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પણ પોતાના બોલરની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નથી. તેમણે શુક્રવારે રાત્રે મેચ પૂર્ણ થયા બાદ ટ્વીટ કરીને કહ્યું કે, અમને રાશિદ પર ગર્વ છે અને ભારતે જે અમારા ખેલાડીઓ માટે કર્યું તેના માટે અમે તેના આભારી છીએ. તેમણે આ ટ્વીટને વડાપ્રધાન મોદીને પણ ટેગ કર્યું. 


તેમણે લખ્યું, 'અફઘાનિસ્તાનને પોતાના હિરો રાશિદ ખાન પર ગર્વ છે'. હું અમારા ખેલાડીઓને પોતાની પ્રતિભા વ્યક્ત કરવા માટે આટલું મોટુ પ્લેટફોર્મ આપવા માટે ભારતીય મિત્રોનો આભારી છું. રાશિદ અમને યાદ અપાવે છે કે અફઘાનિસ્તાનનું શ્રેષ્ઠ શું છે. તે ક્રિકેટની દુનિયા માટે એક સંપત્તિ બનેલો છે. અમે તેને જવા દેશું નહીં. (અમે રાશિદને બીજા દેશ માટે રમવા નહીં દઈએ). 



ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓ સારી સુવિધા મેળવવા માટે ભારતમાં પ્રેક્ટિસ કરે છે. પોતાની પ્રતિભાને નિખારવા માટે તેમણે નોઇડા અને દેહરાદૂનના સ્ટેડિયમને પસંદ કર્યું છે. ગત વર્ષે માર્ચમાં તો અફઘાનિસ્તાન ટીમે ગ્રેટર નોઇડા સ્પોર્ટસ કોમ્પલેક્સ ગ્રાઉન્ડમાં આયર્લેન્ડ વિરુદ્ધ 5 મેચની વનડે શ્રેણી રમી હતી. જેમાં અફઘાનનો 3-2થી વિજય થયો હતો.