નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ પદેથી હવે સૌરવ ગાંગુલી આપશે રાજીનામું. ઉલ્લેખનીય છેકે, BCCI માત્ર ભારત જ નહીં બલ્કે દુનિયાનું સૌથી વધારે ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે. હવે નહીં ચાલે બીસીસીઆઈમાં ગાંગુલીની દાદાગીરી. તો દાદાના સ્થાને કોને મળશે બીસીસીઆઈના પ્રમુખનું સ્થાન? ભારતીય ક્રિકેટના વહીવટની વ્યવસ્થા અને બીસીસીઆઈની આગામી ચૂંટણી અંગે જાણો વિગતવાર... બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)ના દિગ્ગજ નેતાઓની ગુરુવારે દિલ્હીમાં બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ કંટ્રોલ બોર્ડની આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, પૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન, ખજાનચી અરૂણસિંહ ધુમલે ભાગ લીધો હતો. પ્રથમ બેઠક એક હોટલમાં થઈ હતી જ્યારે બીજી બેઠક ભાજપના દિગ્ગજ મંત્રીના ઘરે થઈ હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સૌરવ ગાંગુલી આગામી ચૂંટણી નહીં લડે, જ્યારે જય શાહ ફરીથી સચિવ પદ માટે ચૂંટણી લડી શકે છે.


1983ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય રોજર બિન્ની અને કૉંગ્રેસના નેતા રાજીવ શુક્લામાંથી એક અધ્યક્ષ અને એક આઇપીએલ ચેરમેન બની શકે છે. હાલના ખજાનચી અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ આ જ પદ માટે ફરીથી નામાંકન કરશે. દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી, ઓડિશા ક્રિકેટ એસોસિએશનના સંજય બેહરા, હરિયાણા ક્રિકેટ એસોસિએશનના અનિરુદ્ધ ચૌધરીના નામો અન્ય પદો માટે ચર્ચામાં હતા. વર્તમાન જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જ અને આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ પણ આગામી ચૂંટણી નહીં લડે.


BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે. 11 અને 12 ઓક્ટોબરે નોમિનેશન લેવામાં આવશે. 13 ઓક્ટોબરે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવાર 14 સુધી પોતાનું નામ પાછું ખેંચી શકશે. આ પછી, યોગ્ય નામાંકન કરનારાઓની યાદી 15 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.