National Sports Day: જાણો હોકીના જાદુગર કહેવાતા Major Dhyan Chand વિશે જાણી-અજાણી વાતો
પોતાની હોકી ક્ષેત્રે સિદ્ધિના કારણે વિદેશમાં પણ મેજર ધ્યાનચંદની ચર્ચા થવા લાગી. મેજર ધ્યાનચંદની આટલી ચર્ચાથી આકર્ષાઈને બર્લિન ઓલ્મિપિક દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર ( Adolf Hitler)ને ધ્યાચંદ સાથે મળવાની લાલસા થઈ.
નવી દિલ્લીઃ રમત-ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરનારાઓની વાત કરવામાં આવે ત્યારે મેજર ધ્યાનચંદનું નામ અચૂક યાદ આવે. હોકી ક્ષેત્રે દેશને એક આગવી ઓળખ આપનાર મેજર ધ્યાનચંદનો આજે જન્મદિવસ છે. તેમની યાદમાં આજના દિવસને એટલે કે 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટ 1905નાં રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં એક રાજપૂત પરિવારને ત્યાં મેજર ધ્યાનચંદનો જન્મ થયો. મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે. આ પાછળનું કારણ મેદાનમાં તેમનુ ઉત્કૃષ્ટ પ્રદર્શન છે. ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. વર્ષ 1928, 1932 અને 1936માં મેજર ધ્યાનચંદે ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1956માં ધ્યાનચંદને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોતાની હોકી ક્ષેત્રે સિદ્ધિના કારણે વિદેશમાં પણ મેજર ધ્યાનચંદની ચર્ચા થવા લાગી. મેજર ધ્યાનચંદની આટલી ચર્ચાથી આકર્ષાઈને બર્લિન ઓલ્મિપિક દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર ( Adolf Hitler)ને ધ્યાચંદ સાથે મળવાની લાલસા થઈ.1936 માં જર્મનીમાં યોજાયેલા ઓલમ્પિકમાં ધ્યાનચંદે ભારતને એમ્સટટર્ડમ 1928 અને લાંસ એજિલ્સ 1932 ઓલમ્પિક (Olmpic) માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બર્લિનમાં 14 ઓગસ્ટે વરસાદના કારણે ભારત અને જર્મની વચ્ચેની મેચ મોકૂફ રખાઈ હતી. જે બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટના રોજ રમાઈ, જેના કારણે ભારતીય ટીમ પર જીતવાનો દબાવ હતો. ફાઈનલ મેચમાં મેજર ધ્યાનચંદ શૂઝ વગર જ મેદાનમાં આવી ગયા અને બીજા હાફમાં જ કમાલ કરીને બધાને હેરાન કરી મૂકી દીધા. મેચમાં ભારતે 8-1થી જીત હાંસિલ કરી.
જર્મની અને ભારત વચ્ચેની આ હોકીમેચ જોવા માટે તાનાશાહ હિટલર પણ આવ્યો હતો. મેચ બાદ હિટલરે મેજર ધ્યાનચંદ સાથે મુલાકાત કરી હતી અને તેમને જર્મની તરફથી રમવાની ઓફર કરી હતી. આ સિવાય જર્મન નાગરિકતા અને લશ્કરમાં ઉચ્ચ હોદ્દો આપવાની ઓફર કરી હતી. જેને ઠુકરાવીને મેજર ધ્યાનચંદ દેશને સમર્પિત રહી હોકી ક્ષેત્રે સતત સિદ્ધિ હાંસિલ કરી.