Spot-Fixing : ક્રિકેટમાં ફિક્સિંગનું ભૂત ફરી ધૂણ્યું, એક વર્ષમાં 5 દેશના કેપ્ટનને કરાઈ ઓફર
દુબઈઃ યુએઈમાં ચાલી રહેલા એશિયા કપની વચ્ચે સ્પોટ ફિક્સિંગનું ભૂત ફરીથી ધૂણ્યું છે. ટૂર્નામેન્ટ દરમિયાન અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શાહઝાદનો ફિક્સિંગ માટે સંપર્ક કરાયો હતો. શાહઝાદે આ અંગે ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી. ટીમ મેનેજમેન્ટે આ બાબતની સુચના આઈસીસીને આપી છે. હવે, સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.
સરફરાઝ અને ક્રીમને ઓફર મળવાની વાત સ્વીકારી
સ્પોટ ફિક્સિંગ કેસની તપાસની પર આઈસીસીના એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ)ના પ્રમુખ એલેક્સ માર્શલ નજર રાખી રહ્યા છે. તેમણે એક ઈવેન્ટમાં જણાવ્યું છે કે, એક વર્ષમાં 5 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટનનો ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. તેમાંથી 4 કેપ્ટન ફૂલ મેમ્બર ટીમના હતા. આ 4 કેપ્ટનમાંથી પાકિસ્તાનનો સરફરાજ અહેમદ અને ઝિમ્બાબ્વેના ગ્રીમ ક્રીમર સામેલ છે. બંનેએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે, તેમણે ફિક્સિંગની ઓફર કરી હતી. સરફરાઝે શ્રીલંકાની સીરીઝ દરમિયાન આ બાબતનો ખુલાસો કર્યો હતો.
8 ખેલાડી શંકાના દાયરામાં છે
એસીયુના પ્રમુખ એલેક્સ માર્શલે જણાવ્યું કે, "છેલ્લા 12 મહિનામાં સ્પોટ ફિક્સિંગના 32 કેસની તપાસ ચાલી રહી છે. તેમાં 8 ખેલાડી શંકાના દાયરામાં છે. જેમાંથી ત્રણ સામે તો આરોપનામું પણ દાખલ કરી દેવાયું છે." તાજેતરમાં જ પાકિસ્તાનના ઓપનર નાસિર જમશેદ પર સ્પોટ ફિક્સિંગના દોષી સાબિત થયા બાદ 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જમશેદ 48 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેણે વન ડેમાં ત્રણ સદી ફટકારી છે. આ ત્રણેય સદી ભારત સામેની છે.
મોહમ્મદ શાહઝાદનો કરાયો હતો સંપર્ક
અફઘાનિસ્તાનના ઓપનર મોહમ્મદ શાહઝાદે શનિવારે ટીમ મેનેજમેન્ટને જણાવ્યું કે, બુકીએ તેની ક્ષમતા કરતાં નબળું પ્રદર્શન કરવાની ઓફર કરી હતી. જોકે, આ ઓફર એશિયા કપ માટે નહીં પરંતુ અફઘાન પ્રીમિયર લીગ માટે હતી. આ લીગ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. 30 વર્ષના શહેઝાદને પાખિત્યા ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો છે. આ ટીમમાં ન્યુઝિલેન્ડનો બ્રેન્ડન મેક્કુલન, પાકિસ્તાનનો શાહિદ આફરીદી અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ જેવા ખેલાડી પણ છે.