RRvsSRH: રાજસ્થાનનો 8 વિકેટે પરાજય, શંકર-પાંડેએ હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત રાખી
મનીષ પાંડે અને વિજય શંકરની અણનમ અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે.
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 40મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ રાજસ્થાન રોયલ્સ (RR)ને 8 વિકેટે પરાજય આપી પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ હાર સાથે રાજસ્થાન રોયલ્સનો આગળનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મનીષ પાંડે (83*) અને વિજય શંકર (52*)ની અડધી સદીની મદદથી 18.1 ઓવરમાં 2 વિકેટે 156 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે હૈદરાબાદના કુલ 8 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. તો રાજસ્થાનનો આ સાતમો પરાજય છે. તેના 8 પોઈન્ટ છે.
હૈદરાબાદની ઓપનિંગ જોડી ફેલ
રાજસ્થાને આપેલા 155 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 16 રનના સ્કોર પર પોતાના બંન્ને ઓપનરો ગુમાવી દીધા હતા. જોની બેયરસ્ટો (10) અને ડેવિડ વોર્નર (4) રન બનાવી આઉટ થયા હતા. આ બંન્નેને જોફ્રા આર્ચરે આઉટ કર્યા હતા.
મનીષ પાંડે-વિજય શંકરની ધમાકેદાર બેટિંગ
માત્ર 16 રનમાં બે વિકેટ ગુમાવી ચુકેલી હૈદરાબાદની ટીમન મનીષ પાંડે અને ઓલરાઉન્ડર વિજય શંકરે સંકટમાંથી બહાર કાઢી હતી. મનીષ પાંડેએ આક્રમક બેટિંગ કરતા માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. મનીષ પાંડેએ 47 બોલનો સામનો કરતા 8 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે અણનમ 83 રન બનાવ્યા હતા. જ્યારે વિજય શંકર 51 બોલમાં 6 ચોગ્ગા સાથે 52 રન બનાવી અણનમ રહ્યો હતો. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાન તરફથી બંન્ને સફળતા જોફ્રા આર્ચરને મળી હતી.
રાજસ્થાનની ઈનિંગ્સનો રોમાંચ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને 30 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોબિન ઉથપ્પા (19) રન આઉટ થયો હતો. ઉથપ્પાએ 13 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ સેમસન અને બેન સ્ટોક્સે બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાનને બીજો ઝટકો સંજૂ સેમસન (36)ના રૂપમાં લાગ્યો હતો. સેમસને 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેને જેસન હોલ્ડરે આઉટ કર્યો હતો.
બેન સ્ટોક્સ (30)ને રાશિદ ખાને બોલ્ડ કરીને હૈદરાબાદને ત્રીજી સફળતા અપાવી હતી. જોસ બટલર (9)ને વિજય શંકરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથ 15 બોલમાં બે બાઉન્ડ્રી સાથે 19 રન બનાવી હોલ્ડરની ઓવરમાં આઉટ થયો હતો. આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલા હોલ્ડરે રિયાન પરાગ (20)ની પણ વિકેટ ઝડપી હતી.
અંતમાં જોફ્રા આર્ચર 7 બોલમાં 1 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 16 રન નબાવી અને તેવતિયા બે રન બનાવી અણનમ રહ્યા હતા. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે 4 ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય રાશિદ ખાન અને વિજય શંકરને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube