મુંબઈઃ  બોલરોના કમાલના પ્રદર્શન બાદ સૂર્યકુમાર યાદવ (102*) ની વિસ્ફોટક ઈનિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની આઈપીએલ-2024માં ચોથી જીત છે. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર આવી છે, જ્યારે ગુજરાત ટાઈટન્સ દસમાં નંબરે પહોંચી ગઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવી શક્યું હતું. જેના જવાબમાં મુંબઈએ 17.2 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઈશાન કિશન 9 રન બનાવી માર્કો યાન્સેનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા પણ 4 રન બનાવી કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો. નમન ધિર 9 બોલમાં શૂન્ય રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં કેચઆઉટ થયો હતો. મુંબઈએ 31 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.


સૂર્યકુમાર અને તિલક વર્માએ અપાવી જીત
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એક સમયે મુશ્કેલીમાં લાગી રહી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ઈનિંગ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 143 રનની અણનમ ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં અણનમ 102 રન ફટકારી હતી. સૂર્યકુમારે આ દરમિયાન 12 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે તિલક વર્મા 32 બોલમાં 6 ચોગ્ગા સાથે 37 રન બનાવી અણનમ રહ્યો હતો. 


ટ્રેવિસ હેડ સિવાય હૈદરાબાદના બેટરો ફેલ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી જરૂર કરી હતી. પરંતુ ત્યારબાદ ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. અભિષેક શર્મા 11 રન બનાવી આઉટ થયો હતો. મયંક અગ્રવાલ પણ માત્ર 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. નીતીશ રેડ્ડીએ 20 રનનું યોગદાન આપ્યું હતું. ટ્રેવિસ હેડ 30 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 48 રન બનાવી આઉટ થયો હતો.


હેનરિક ક્લાસેન 2 રન બનાવી પીયુષ ચાવલાનો શિકાર બન્યો હતો. માર્કો યાન્સેન 17 રન બનાવી શક્યો હતો. જ્યારે શાહબાઝ અહમદ 10 અને અબ્દુલ સમદ 3 રન બનાવી આઉટ થયા હતા. હૈદરાબાદે 136 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન પેટ કમિન્સે 17 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 35 રન બનાવી ટીમનો સ્કોર 170ને પાર પહોંચાડ્યો હતો.