બ્રિસબેનઃ ઈંગ્લેન્ડે કરો યા મરો મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 20 રને પરાજય આપી ગ્રુપ-1માં સેમીફાઇનલના સમીકરણોને રોમાંચક બનાવી દીધા છે. આઈસીસી ટી20 વિશ્વકપ-2022માં આજે ધ ગાબા મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમના ચાર મેચમાં પાંચ પોઈન્ટ થઈ ગયા છે, તે નેટ રનરેટના હિસાબે ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડ આ હાર બાદ પણ સારી નેટ રનરેટની મદદથી ગ્રુપ-1ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ઈંગ્લેન્ડ હવે પોતાની અંતિમ લીગ મેચમાં શ્રીલંકા તો ન્યૂઝીલેન્ડ આયર્લેન્ડ સામે ટકરાશે. ન્યૂઝીલેન્ડની હાર સાથે ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલમાં પહોંચવાની આશાને એક ઝટકો જરૂર લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના પણ પાંચ પોઈન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ
ઈંગ્લેન્ડે આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ડેવોન કોનવે માત્ર 3 રન બનાવી વોક્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ફિન એલેન 11 બોલમાં 1 સિક્સ સાથે 16 રન બનાવી કરનની ઓવરમાં આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં 2 વિકેટે 40 રન બનાવ્યા હતા. 


કેન વિલિયમસન અને ફિલિપ્સે સંભાળી ઈનિંગ
28 રન પર બે વિકેટ ગુમાવી દીધા બાદ કેપ્ટન કેન વિલિયમસન અને ફિન એલેને ટીમને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. ન્યૂઝીલેન્ડને 119 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. કેન વિલિયમસન 40 બોલમાં 40 રન બનાવી સ્ટોક્સનો શિકાર બન્યો હતો. આ દરમિયાન ગ્લેન ફિલિપ્સે એક જીવનદાન મળ્યા બાદ 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 


ફિલિપ્સનું શાનદાર પ્રદર્શન
સંકટમાં રહેલી ન્યૂઝીલેન્ડને ગ્લેન ફિલિપ્સે બહાર કાઢી હતી. ફિલિપ્સે 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગ્લેન ફિલિપ્સ 36 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 62 રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો હતો. જિમી નીશામ 3 બોલમાં 6 રન બનાવી માર્ક વુડની ઓવરમાં આઉટ થયો હતો. ડેરેલ મિચેલ 3 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં સેન્ટનર 16 અને ઈશ સોઢી 6 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


ઈંગ્લેન્ડની આક્રમક શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને જોસ બટલર અને એલેક્સ હેલ્સે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં આક્રમક વલણ અપનાવ્યું હતું. ઈંગ્લેન્ડે પ્રથમ છ ઓવરમાં વિના વિકેટે 48 રન બનાવી લીધા હતા. ટી20 વિશ્વકપ 2022માં ઈંગ્લેન્ડને પ્રથમવાર બંને ઓપનરોએ મજબૂત શરૂઆત અપાવી હતી. 


બટલર-હેલ્સની અડધી સદી
ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો 11મી ઓવરમાં એલેક્સ હેલ્સના રૂપમાં લાગ્યો હતો. હેલ્સ 40 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સાથે 52 રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલરે આ ટી20 વિશ્વકપમાં પોતાની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. બટલર 47 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 73 રન બનાવી રનઆઉટ થયો હતો. 


ન્યૂઝીલેન્ડે કરી વાપસી
એક સમયે ઈંગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ બટલર અને હેલ્સ સિવાય અન્ય કોઈ બેટર ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. મોઈન અલી માત્ર 5 રન બનાવી સોઢીનો શિકાર બન્યો હતો. લિવિંગસ્ટોને 14 બોલમાં 20 રન ફટકાર્યા હતા. હેરી બ્રુક 7 રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. સ્ટોક્સ 7 રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી લોગી ફર્ગ્યૂસને 2, ઈશ સોઢી, સાઉદી અને સેન્ટનરને એક-એક સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube