AFG VS BAN: આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી આઉટ
AFG VS BAN: આજની મેચમાં અફઘાનિસ્તાને પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું. જો કે આ નિર્ણય એક સમયે ખોટો સાબિત થઈ શકે તેમ હતો કારણ કે અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ફક્ત 115 રન કરી શકી હતી. પણ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ અફઘાનિસ્તાનની જબરદસ્ત બોલિંગ સામે ધરાશાયી થયેલી જોવા મળી.
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 સ્ટેજના અંતિમ મુકાબલામાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની રોમાંચક ટક્કર થઈ અને બંને ટીમો વચ્ચે આ મેચ કિંગ્સટાઉનના અર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં આજે અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને જીતવા માટે 114 (ડીએલએસ) નો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશની આખી ટીમ 105 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ અને આ સાથે જ અફઘાનિસ્તાને ઈતિહાસ રચતા સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરી
આજની મેચમાં અફઘાનિસ્તાને પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું. જો કે આ નિર્ણય એક સમયે ખોટો સાબિત થઈ શકે તેમ હતો કારણ કે અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ફક્ત 115 રન કરી શકી હતી. જેમાં ઓપનર્સ રહમાનુલ્લાહ ગુરબાઝે 55 બોલમાં 43 રન જ્યારે ઈબ્રાહિમ જદરાને 29 બોલમાં 18 રન કર્યા હતા. આ ઉપરાંત ઓમરઝાઈએ 12 બોલમાં 10 રન, ગુલાબદીન નાયબે 3 બોલમાં 4 રન, નબીએ 1 રન કર્યા. કરીમ જનતે અણનમ 7 રન અને કેપ્ટન રાશિદ ખાનના 10બોલમાં 19 રન નિર્ણાયક સાબિત થયા. બાંગ્લાદેશ તરફથી રિશદ હૈસેને 26 રન આપીને 3 નવિકેટ લીધી જ્યારે તસ્કીન અહેમદ અને મુસ્તફિઝૂર રહેમાનને 1-1 વિકેટ મળી.
બાંગ્લાદેશ ઓલઆઉટ
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ અફઘાનિસ્તાનની જબરદસ્ત બોલિંગ સામે ધરાશાયી થયેલી જોવા મળી. એકમાત્ર ઓપનર લિટોન દાસ જ ટકી શક્યો જેણે સૌથી વધુ અણનમ 49 બોલમાં 54 રન કર્યા. આ સિવાય માત્ર સૌમ્ય સરકાર 10 રન, તૌહીદ હીરદોય 14 રન એમ બે બેટરો જ ડબલ ડિજીટના આંકડા ઉપર જઈ શક્યા. આમ બાંગ્લાદેશની આખી ટીમ 17.5 ઓવરમાં 105 રન કરીને ઓલઆઉટ થઈ જતા અફઘાનિસ્તાન 8 (ડીએલએસ મેથર્ડ) રનથી જીતીને સેમી ફાઈનલમાં પ્રવેશ્યું. અફઘાનિસ્તાનની બોલિંગને દાદ દેવી પડે કારણ કે આટલા ઓછા રનનો ટાર્ગેટ બચાવવો એ કોઈ સરળ કામ નહતું. અફઘાનિસ્તાન તરફથી નવીન ઉલ હકે 4 વિકેટ, રાશિદ ખાને પણ 4 વિકેટ જ્યારે ફઝલહક ફારુક અને ગુલાબદીન નાયબે 1-1 વિકેટ લીધી.