ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલના જંગ માટે ખેલાડીઓથી લઈને હવે ફેન્સ અને અન્ય ટીમોના ખેલાડીઓ અને પૂર્વ ખેલાડીઓ પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે આ ફાઈનલ 29 જૂનના રોજ બાર્બાડોસમાં રમાશે. આ મહામુકાબલાને લઈને હવે પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ખેલાડીએ ખુલીને ટીમ ઈન્ડિયાનો સપોર્ટ કર્યો છે. તેમનું કહેવું છે કે રોહિત શર્માના નેતૃત્વવાળી આ ટીમ વર્લ્ડ કપ ટ્રોફી જીતવી ડિઝર્વ કરે છે. તેમણે એ પણ કહ્યું કે 2023ની ફાઈનલમાં ભારતને હારતું જોઈને તકલીફ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું પાકિસ્તાની પૂર્વ ખેલાડીએ?
પોતાની યુટ્યૂબ ચેનલ પર વાત કરતા પાકિસ્તાનના પૂર્વ પેસર શોએબ અખ્તરે કહ્યું કે ગત વર્ષ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે વર્લ્ડ કપ જીતવાથી ચૂકી ગયા બાદ રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ જીતવા માટે હકદાર છે. તેમણે રોહિત શર્માના માઈન્ડસેટના વખાણ કરતા કહ્યું કે, રોહિત શર્માએ વારંવાર કહ્યું છે કે એવી ઈમ્પેક્ટ નાખવાની છે અને ટ્રોફી જીતવાની છે. આથી વર્લ્ડ કપ જીતવા માટે હકદાર છે. તેઓ એક મોટા ખેલાડી છે અને તેમનું એન્ડિંગ મોટા નોટ પર થવું જોઈએ. તેઓ એક સેલ્ફલેસ કેપ્ટન છે. ટીમ માટે રમે છે અને એક શાનદાર બેટર પણ છે. 


થઈ હતી તકલીફ
શોએબ અખ્તરે 2023 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની હારનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું હંમેશાથી ભારતના વર્લ્ડ કપ જીતવાના પક્ષમાં હતો. ગત વર્ષે જ્યારે ભારત વિશ્વ કપ નહતું જીતી શક્યું ત્યારે મને તકલીફ થઈ હતી. કારણ કે તેઓ હારવા જોઈતા નહતા. તેઓ જીતના હકદાર હતા. અત્રે જણાવવાનું કે નવેમ્બર 2023માં ભારતની મેજબાનીમાં રમાયેલા વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને હરાવીને કરોડો ભારતીયોના દિલ તોડ્યા હતા. ભારતે આ ટુર્નામેન્ટમાં કમાલનું પ્રદર્શન દેખાડતા ફાઈનલ સુધી એક પણ મેચ ગુમાવી નહતી. પરંતુ ફાઈનલમાં મળેલી હારથી કેપ્ટન રોહિત શર્મા સુદ્ધાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.