ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને બીજી સેમીફાઈનલમાં 68 રનથી હરાવીને 10 વર્ષ બાદ ટી20વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી છે. ગુરુવારે રમાયેલી ટી20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં રોહિતની સનાએ ઈંગ્લેન્ડને દેખાડી દીધુ કે આખરે કેમ તેઓ દુનિયાની બેસ્ટ ટીમોમાં સામેલ છે. આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા  ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન કર્યા અને ઈંગ્લેન્ડ સામે જીત માટે 172 રનનો લક્ષ્યાંક મૂક્યો. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમ 16.4 ઓવરોમાં 103 રન કરી પેવેલિયન ભેગી થઈ ગઈ. ટીમ ઈન્ડિયાની જીતના 3 સૌથી મોટા  ટર્નિંગ પોઈન્ટ રહ્યા, જો આ ટર્નિંગ પોઈન્ટ ન આવ્યા હોત તો ઈંગ્લેન્ડની ટીમને સેમીફાઈનલમાં હરાવવું મુશ્કેલ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની ઈનિંગ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ 57 રનની મહત્વની ઈનિંગ રમી. જ્યારે વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવે પણ મહત્વના 47 રન કર્યા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની મહત્વની ઈનિંગ્સે ટીમ ઈન્ડિયાની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી. આ ઈનિંગ્સના દમ પર જ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 172 રનનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક આપ્યો. અંતમાં ભારતે આ મેચ 68 રનથી જીત્યા. ગુયાનાની પીચ પર 172 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડ માટે પહાડ જેવો સાબિત થયો. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ પણ જો જલદી આઉટ થઈ જાતતો મેચમાં ગમે તે થઈ શકે તેમ હતું. 


2. અક્ષર પટેલની 3 વિકેટ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને જીત અપાવવામાં લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલે મહત્વની ભૂમિકા ભજવી. સેમીફાઈનલ જેવી મહત્વની મેચમાં ભારતને જીત અપાવવા બદલ તે મેન ઓફ ધી મેચ પણ બન્યો. અક્ષર પટેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી 20 વર્લ્ડ કપ સેમીફાઈલનમાં દેખાડ્યું કે આખરે તે કેમ ઘાતક સ્પિન બોલર છે. અક્ષરે આ મેચમાં 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી. ઈંગ્લેન્ડના જોખમી બેટર કેપ્ટન જોસ બટલર (23), મોઈન અલી (8) અને જહોની બેયરસ્ટો(0)ને ફટાફટ આઉટ કરીને ભારતની જીત સરળ બનાવી. 


3. કુલદીપ યાદવ અને બુમરાહનો કહેર
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી 20 વર્લ્ડ કપ સેમીફાઈનલ મેચમાં અક્ષર પટેલે ભલે 3 વિકેટ લીધી પરંતુ કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે પણ તેને સારો સાથ આપ્યો. કુલદીપે 3 વિકેટ અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી. અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડને 103 રનના સ્કોર પર આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. અક્ષર, કુલદીપ અને બુમરાહની ઘાતક બોલિંગના દમ પર ભારતે 10 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી છે. 


અત્રે જણાવવાનું કે ભારતે 2022 ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ હારનો બદલો પણ આ સાથે લઈ લીધો છે. ટી20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું. હવે ફાઈનલમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રીકા સામે થશે.