World Cup 2023: ટીમ ઈન્ડિયાએ પ્રશંસકોને દિવાળી ગીફ્ટ આપી દીધી છે અને પોતાની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું છે. વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની સેનાએ સતત 9 મેચ જીતીને લીગ રાઉન્ડનો અંત આણ્યો છે. વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી. ભારતે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ હવે 15 નવેમ્બરે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે વર્લ્ડકપ 2023માં નોંધાવી સળંગ 9મી જીત
ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડને હરાવીને સતત નવમી જીત નોંધાવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 410 રન બનાવ્યા અને નેધરલેન્ડને 411 રનનો ટાર્ગેટ આપ્યો. ભારતીય બેટ્સમેનોએ નેધરલેન્ડના બોલરોને જોરદાર ધોયા હતા. ભારત માટે શ્રેયસ અય્યરે તેની ચોથી ODI સદી ફટકારી અને 94 બોલમાં 128 રન બનાવ્યા. જ્યારે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે 102 રન બનાવ્યા હતા. આ સિવાય રોહિત શર્માએ 61 રન, શુભમન ગિલે 51 રન અને વિરાટ કોહલીએ 51 પણ એટલા જ રન બનાવ્યા હતા. 411 રનના ટાર્ગેટના જવાબમાં નેધરલેન્ડની ટીમ 250 રન પર જ સિમિત રહી અને ભારતે મેચ જીતી લીધી.


શ્રેયસ અય્યર-કેએલ રાહુલે જોરદાર મચાવી તબાહી
કેએલ રાહુલ (102 રન, 64 બોલ) વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર બન્યો. જેનાથી તેના અને શ્રેયસ અય્યરની (128 અણનમ, 94 બોલ) સદીના કારણે ભારતે દિવાળી પર નેધરલેન્ડ સામે 4 વિકેટે 410 રનનો જંગી સ્કોર બનાવ્યો. અય્યર અને રાહુલે ચોથી વિકેટ માટે 208 રનની ભાગીદારી કરી હતી. આ બે સિવાય કેપ્ટન રોહિત શર્મા (61 રન), શુભમન ગિલ (51 રન) અને વિરાટ કોહલી (51 રન)ની અડધી સદીની ઇનિંગ્સે પણ યોગદાન આપ્યું હતું.


410 રનનો સ્કોર બનાવ્યો
ભારતીય ટીમે છેલ્લી 10 ઓવરમાં 122 રન ઉમેર્યા, જેનાથી તે ટુર્નામેન્ટમાં 400થી વધુ રન બનાવનારી દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ પછી ત્રીજી ટીમ બની. ઐયરની આ ચોથી વનડે સદી અને વર્લ્ડ કપમાં પ્રથમ સદી છે. તે ત્યારે ક્રિઝ પર આવ્યો જ્યારે ગિલ અને રોહિતે પ્રથમ વિકેટ માટે 71 બોલમાં 100 રન બનાવ્યા હતા અને ભારત મોટો સ્કોર બનાવવા તરફ આગળ વધી રહ્યું હતું. 28 વર્ષના જમણા હાથના બેટ્સમેને પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી અને રાહુલને સારો પાર્ટનર મળ્યો. ઐયરની બેટિંગનું સૌથી મોટું આકર્ષણ તેનું જોખમ ટાળવાનું હતું. તે સામાન્ય રીતે સ્પિન સારી રીતે રમે છે, પરંતુ તેની નબળાઈ ડાબા હાથના બોલરો સામે દેખાય છે, જે તેના સ્ટ્રાઈક રેટ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે.


ના બનાવી શક્યો વિરાટ કોહલી 50મી ODI સદી
ચાહકોને આશા હતી કે દિવાળીના અવસર પર વિરાટ કોહલી વન-ડે ઈન્ટરનેશનલમાં તેની 50મી સદી ફટકારશે, પરંતુ તે 51 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમ આ મેચમાં કોઈપણ ફેરફાર વગર ઉતરી હતી. એક તરફ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની એક પણ મેચ હારી નથી અને સેમીફાઈનલની ટિકિટ બુક કરી લીધી છે. ભારત 9 જીત સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે, ચેમ્પિયન્સ ટ્રોફી માટે નેધરલેન્ડ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી.


રોહિતે પૂરા કર્યા 14000 રન 
આ મેચની ત્રીજી જ ઓવરમાં રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 14000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેમના પહેલા વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરે ભારત માટે આ કારનામું કર્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ 12 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.


બંને ટીમોના પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.


નેધરલેન્ડ્સ: વેસ્લી બેરેસી, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, સ્કોટ એડવર્ડ્સ (wk/c), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગાન વાન બીક, રોલોફ વાન ડેર મેરવે, આર્યન દત્ત, પોલ વાન મીકરેન.