નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વિશ્વકપ-2022 ના પોતાના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનને પરાજય આપનાર ભારતીય ટીમે બીજી મેચમાં કારમા પરાજયનો સામનો કરવોપડ્યો છે. મહિલા વિશ્વકપની આઠમી લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમે ભારતને 62 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવી છે. ત્રણ મેચમાં કીવી ટીમની આ બીજી જીત છે. તો ભારતની બે મેચમાં આ પ્રથમ હાર છે, પરંતુ આ મોટા માર્જિનની હારની અસર ભારતની નેટ રનરેટ પર પડી છે. અત્યાર સુધી ભારતની નેટ રનરેટ 2થી વધારે હતી, પરંતુ આ હાર બાદ તેમાં ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાયેલી મેચમાં ભારતની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઇન અને એમલિયા કેરે ટીમને સંભાળી પછી એમી સૈથર્ટવેટની સાથે કેરે ભાગીદારી કરી હતી. કીવી ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 260 રન બનાવ્યા હતા. યજમાન ટીમ તરફથી 75 રનની ઈનિંગ એમી સૈથર્ટવેટે રમી, જ્યારે 50 રન એમલિયા કેરે બનાવ્યા હતા. 41 રન કેટી માર્ટિને અને 35 રન સોફી ડિવાઇને બનાવ્યા હતા. ભારત માટે 4 વિકેટ પૂજા વસ્ત્રાકરે તો ગાયકવાડે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ઝૂલન ગોસ્વામી અને દીપ્તિ શર્માને એક-એક સફળતા મળી હતી. 


આ પણ વાંચોઃ IND vs SL: સચિન, ધોની, કોહલીની ક્લબમાં સામેલ થશે રોહિત, બેંગલુરૂમાં રમશે 400મી આંતરરાષ્ટ્રીય મેચ  


બીજીતરફ 261 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત મળી નહીં. પરંતુ મિતાલી રાજ, યાસ્તિકા ભાટિયા અને અંતમાં હરમનપ્રીત કૌરે આશા જગાવી, પરંતુ ટીમ જીતથી દૂર રહી હતી. ભારત માટે હરમનપ્રીત કૌરે 63 બોલમાં 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન મિતાલી રાજ 31 રન બનાવી આઉટ થઈ હતી. યાસ્તિકાએ 28 રન અને સ્નેહ રાણાએ 18 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી લી તહુહુ અને એમલિયા કેરે 3-3 વિકેટ ઝડપી હતી. ડીલી જેનસેનને બે, જેસ કેર અને હેન્ના રોવને એક-એક વિકેટ મળી હતી. ભારતીય મહિલા ટીમ 46.4 ઓવરમાં 198 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube