નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સિઝનમાં દિલ્લી કેપિટલ્સની ટીમ પ્લેઓફની રેસમાં હજુ પણ ટકેલી છે. સોમવારે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્લીએ પંજાબ કિંગ્સને 17 રનથી પરાજય આપ્યો. આ જીતની સાથે ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્લી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવી ગઈ છે. પંજાબ કિંગ્સ સામે જીત પછી પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પંત હવે જીતની ટકાવારી (મિનિમમ 10 મેચ)ના આધારે દિલ્લી કેપિટલ્સનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. પંતે આ મામલામાં વીરેન્દ્ર સેહવાગ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને પાછળ મૂકી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


સેહવાગ-શ્રેયસને પાછળ છોડ્યા:
પંત અત્યાર સુધી દિલ્લી કેપિટલ્સ માટે 29 મેચમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જેમાંથી ટીમને 16 મેચમાં જીત મળી છે. પંતની જીતની ટકાવારી 56.89 ટકા રહી છે. વીરેન્દ્ર સેહવાગની વાત કરીએ તો તેણે 52 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી. જેમાંથી 28 મેચમાં જીત મળી હતી. તેની કેપ્ટનશીપની ટકાવારી 53.84 ટકા રહી. જ્યારે શ્રેયસ અય્યરે 41 મેચમાં ટીમની કમાન સંભાળી હતી. જેમાં તેને 21 મેચમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. તેની કેપ્ટનશીપની જીતની ટકાવારી 53.65 ટકા રહી છે.


16 કરોડમાં રિટેઈન થયો છે પંત:
આઈપીએલ 2022ની મેગા હરાજીમાં ઋષભ પંતને દિલ્લી કેપિટલ્સે 16 કરોડ રૂપિયામાં રિટેઈન કર્યો હતો. પંતે છેલ્લી સિઝનમાં પણ ટીમની કમાન સંભાળી હતી. જ્યારે ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. બેટિંગની વાત કરવામાં આવે તો પંતે હાલની સિઝનમાં 13 મેચમાં 30.10ની એવરેજથી 301 રન બનાવ્યા છે. પરંતુ તેમાં એકપણ ફિફ્ટી કે સેન્ચુરીનો સમાવેશ થતો નથી.