પ્રશાંત ધીવરે, સુરત: જુલાઈમાં પેરિસ ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ગુરુવારે જાહેર કરાયેલી ભારતની ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર એમ બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. ભારતની મેન્સ ટીમના સુકાની તરીકે શરથ કમાલ અને વિમેન્સ ટીમની સુકાની તરીકે મણિકા બત્રાની વરણી કરાઈ હતી. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)એ શુક્રવારે ટીમની જાહેરાત કરી હતી. ઓલિમ્પિકસમાં ભારત પહેલી વાર ટેબલ ટેનિસની ટીમ ગેમમાં કવોલિફાઈ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીટીએફઆઈની સિનિયર પસંદગી સમિતએ ગુરુવારે શરથ કમાલની આગેવાની હેઠળની ભારતીય ટેબલ ટેનિસ ટીમની જાહેરાત કરી હતી. ઓલિમ્પિકસના નિયમ મુજબ છ સદસ્યની ટીમમાં કોણ સિંગલ્સમાં રમશે તે પણ જાહેર કરવાનું હોય છે. આ મુજબ શરથ કમાલ, હરમિત દેસાઈ અને માનવ ઠક્કર ત્રણ સદસ્યની મેન્સ ટીમમાં રમશે અને મણિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ વિમેન્સ કેટેગરીમાં ભાગ લેશે.


બંને કેટેગરીમાં વૈકલ્પિક ખેલાડી તરીકે જી. સાથિયાન અને અહિકા મુખરજી રહેશે. મેન્સ સિંગલ્સમાં શરથ કમાલ અને હરમિત દેસાઈ તથા વિમેન્સ સિંગલ્સમાં મણિકા બત્રા અને શ્રીજા અકુલા ભાગ લેનારા છે. તાજેતરના વર્લ્ડ રેન્કિંગને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શરથ કમાલ પાંચમી અને છેલ્લી વાર ઓલિમ્પિક્સમાં રમનારો છે. તે 2004માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં પહેલી વાર ભારત માટે રમ્યો હતો. 


ટીટીએફઆઈએ અગાઉથી જ પસંદગી માટેના માપદંડ જારી કરી દીધા હતા અને એ મુજબ જ ટીમની પસંદગી કરવામાં આવી છે. ફેડરેશનના માપદંડ મુજબ વર્તમાન ફોર્મની સાથે સાથે વર્લ્ડ રેન્કિંગને પણ ધ્યાનમાં લેવાનું હતું. જોકે વિમેન્સ સિંગલ્સમાં ત્રીજી ખેલાડી માટે ચર્ચા થઈ હતી. મણિકા બત્રા અને શ્રીજા અકુલા મોખરાના 50 ખેલાડીમાં સ્થાન ધરાવે છે જ્યારે અર્ચના કામથ વિશ્વમાં 103મો ક્રમાંક ધરાવે છે. બેંગલોરની અર્ચના કામથ હાલમાં અહિકા મુખરજી (133) કરતાં આગળ છે.  મેન્સ ક્રમાંકમાં શરથ કમાલ હાલમાં ભારતનો મોખરાનો અને વિશ્વનો 40મો ક્રમાંકિત ખેલાડી છે તો હરમિત દેસાઈ 63 અને માનવ ઠક્કર 62મો ક્રમાંક ધરાવે છે.  


ભારતની ટીમ: 
મેન્સઃ શરથ કમાલ, હરમિત દેસાઈ અને માનવ ઠક્કર. વૈકલ્પિક ખેલાડીઃ જી. સાથિયાન.
વિમેન્સઃ મણિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ. વૈકલ્પિક ખેલાડીઃ અહિકા મુખરજી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube