પોચેસ્ત્ર (દક્ષિણ આફ્રિકા): ભારતની યુવા ટીમે દમદાર પ્રદર્શન કરતા આઈસીસી અન્ડર-19 વિશ્વકપ (ICC U 19 World Cup 2020)ના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે સેમિફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 10 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. મહત્વનું છે કે, ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમે બંન્ને ઓપનર યશસ્વી જયસ્વાલ (105) અને દિવ્યાંશ સક્સેના (59)ની શાનદાર બેટિંગની મદદથી 35.2 ઓવરમાં વિના વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ સાથે ભારતીય ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચી છે. આ ભારતની સતત ત્રીજી ફાઇનલ મેચ હશે. આ પહેલા વર્ષ 2016, 2018માં પણ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ અત્યાર સુધી ચાર વખત અન્ડર-19 વિશ્વકપ જીતી ચુકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 9 ફેબ્રુઆરી રવિવારે રમાશે. જેમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સામે થશે.


ભારતના બંન્ને ઓપનરો વિજયી ભાગીદારી ભાગીદારી
પાકિસ્તાને આપેલા 173 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને બંન્ને ઓપનર યશસ્વી જયસ્વાલ અને દિવ્યાંશ સક્સેનાએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ 22 ઓવરમાં ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. આ દરમિયાન જાયસવાલે 66 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. દિવ્યાંશ સક્સેનાએ 83 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંન્ને ઓપનરોએ 35.2 ઓવરમાં વિના વિકેટે વિજયી ભાગીદારી કરીને ભારતને 10 વિકેટે જીત અપાવી હતી. દિવ્યાંશ 99 બોલમાં 6 ચોગ્ગા સાથે 59 રન બનાવી અણનમ રહ્યો હતો. જયસ્વાલ 113 બોલમાં 105 રન બનાવી અણનમ રહ્યો હતો.  


જયસ્વાલની ટૂર્નામેન્ટમાં પ્રથમ સદી
ભારતીય વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલે 113 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 105 રન બનાવી અણનમ રહ્યો હતો. જયસ્વાલની ટૂર્નામેન્ટમાં આ પહેલી સદી છે. આ પહેલા તે ત્રણ અડધી સદી ફટકારી ચુક્યો છે.


ભારતની દમદાર બોલિંગ, પાકનો ધબડકો
પાકિસ્તાનની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 43.1 ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન કેપ્ટન રોહૈલ નઝીર (62) બનાવ્યા હતા. હૈદર અલીએ 56 રન અને મોહમ્મદ હારિસે 21 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય 8 બેટ્સમેનો તો બે આંકડાના સ્કોર સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યાં હતા. ભારત તરફથી સુશાંત મિશ્રાએ 3, કાર્તિક ત્યાગી અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ, યશસ્વી જાયસવાલ અને અથર્વને એક-એક સફળતા મળી હતી. 


પાકિસ્તાનની ઈનિંગ, હૈદર અને નઝીરની અડધી સદી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમને પહેલો ઝટકો બીજી ઓવરમાં લાગ્યો હતો. મોહમ્મદ હુરૈરાને સુશાંત મિશ્રાએ 4 રનના વ્યક્તિગત સ્કોર પર દિવ્યાંશ સક્સેનાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ભારતને બીજી વિકેટ રવિ બિશ્નોએએ અપાવી. તેણે ફહાદને અથર્વના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન હૈદર અલીએ 70 બોલમાં 9 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ તે 56 રન બનાવી યશસ્વી જાયસવાલના બોલ પર આઉટ થયો હતો. 


પાકિસ્તાનની ટીમને ચોથો ઝટકો કાસિમ અકરમના રૂપમાં લાગ્યો જે 9 રન બનાવી આઉટ થયો હતો. તો પાકિસ્તાનને ટીમને પાંચમો ઝટકો મોહમ્મદ હારિસના રૂપમાં લાગ્યો જે 21 રન બનાવી અથર્વની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. ભારતને છઠ્ઠી સફળતા ઇરફાન ખાનના રૂપમાં મળી જે 3 રન બનાવી કાર્તિક ત્યાગીના બોલ પર બોલ્ડ થયો હતો. 7મો ઝટકો પાકિસ્તાનને અબ્બાસ અફરીદીના રૂપમાં લાગ્યો જે 2 રન નબાવી બિશ્નોઈનો શિકાર બન્યો હતો. 


કેપ્ટન રોહૈલ નઝીરે 83 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. નઝીર 62 રન બનાવી સુશાંત મિશ્રાના બોલ પર તિલક વર્માના હાથે કેચઆઉટ થયો હતો. પાકિસ્તાનને 9મો ઝટકો તાહિર હુસૈનના રૂપમાં લાગ્યો જે બે રન બનાવી આઉટ થયો હતો. અંતિમ વિકેટના રૂપમાં આમિર અલી આઉટ થયો હતો. તેણે 1 રન બનાવ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર