નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપ 2018ની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં વિવાદ પણ શરૂ થઈ ગયાં. વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનો વિવાદ ઊભો થયો છે. ફિફા વર્લ્ડ  કપ ઓપનિંગ સેરેમની દરમિયાન આમ તો અનેક પરફોર્મન્સ થયા પરંતુ હાલ બ્રિટિશ ગાયક રોબી વિલિયમ્સનું પરફોર્મન્સ વિવાદમાં આવી ગયું છે. રોબી વિલિયમ્સે ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ દરમિયાન કઈંક એવું કર્યું કે જેની કોઈને આશા નહતી. તેની આ હરકત બદલ ફોક્સ ચેનલે માફી પણ માંગી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિફા વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમની જેવા મોટા આયોજનમાં પોતાના પરફોર્મન્સ દરમિયાન 44 વર્ષના પોપ સ્ટાર રોબીએ કેમેરા સામે જોઈને અભદ્ર ઈશારો કર્યો. જેના માટે ફોક્સે માફી માંગી. રોબી વિલિયમ્સે પરફોર્મન્સ દરમિયાન પોતાની મીડલ ફિંગર બતાવી હતી. રોબી વિલિયમ્સે રોક ડીજે સોંગના પરફોર્મન્સ દરમિયાન મિડલ ફિંગર બતાવી હતી.


રોબીએ 'બટ આઈ ડીડ ધીસ ફોર ફ્રી' લાઈન બોલ્યા બાદ મિડલ ફિંગર બતાવી. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકો ઉપરાંત લાખો લોકોએ ટીવી ઉપર પણ આ જોયું. રોબીની આ હરકતની સોશિયલ મીડિયા પર ખુબ આલોચના થઈ રહી છે. ફોક્સે રોબી માટે માફી માંગતા કહ્યું કે આ બધુ સુનિયોજિત નહતું. રોબીએ શાનદાર પરફોર્મન્સ આપ્યું. પરંતુ જે થયું તેને પણ રોકી શકાય તેમ નહતું. ફેન્સે રોબીના આ એક્સપ્રેશનની ખુબ આલોચના કરી છે.



નોંધનીય છે કે રોબીના ફિફામાં પરફોર્મ કરવાના અહેવાલો બાદ આલોચકોએ વિલિયમ્સ પર એવો આરોપ લગાવ્યો છે કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ખુશ કરવા માટે પોતાની આત્માનો સોદો કર્યો છે. રોબી છેલ્લા કેટલાક સમયથી પુતિનની આકરી ટીકા કરી રહ્યાં હતાં. જો કે રોબી વિલિયમ્સના ગેસ્ચરનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. રોબી તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા પણ આવી નથી. પરંતુ આમ છતાં તેના અનેક તારણો કાઢવામાં આવી રહ્યાં છે.


રોબી વિલિયમ્સ પર વ્લાદિમિર પુતિનને લઈને અગાઉ પણ વિવાદ થયા છે. તેમના ગીત 'પાર્ટી લાઈક એ રશિયન'એ બે વર્ષ પહેલા રશિયામાં ખુબ વિવાદ ઊભો કર્યો હતો. આ ગીતના એક શબ્દમાં એક નેતા અંગે કહેવાયું હતું જે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અંગે મળતું હતું. વિલિયમ્સે જો કે તે સમયે ટ્વિટર પર કહ્યું હતું કે આ ગીત પુતિન અંગે નથી.