હાર્દિક પંડ્યા, કેએલ રાહુલના સ્થાને ભારતીય ટીમમાં વિજય શંકર અને શુભમન ગિલનો સમાવેશ
વિજય શંકર ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝની સાથે સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ ટીમ સાથે હશે. તો શુભમન ગિલને માત્ર ન્યૂઝીલેન્ડના પ્રવાસે રમાનારી વનડે અને ટી20 સિરીઝમાં તક આપવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ ટીવી શોમાં કથિત વિવાદિત ટિપ્પણીઓ બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેના સ્થાને ટીમમાં વિજય શંકર અને શુભમન ગિલને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે રાત્રે આ જાણકારી આપી હતી. બીસીસીઆઈ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાની સાથે-સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસને ધ્યાનમાં રાખતા બંન્નેને ટીમમાં સ્થાન મળશે.
પ્રાપ્ત વિગત અનુસાર વિજય શંકર ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝની સાથે સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પણ ટીમમાં હશે. શુભમન ગિલને માત્ર ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર રમાનારી વનડે અને ટી20 શ્રેણીમાં તક આપી શકાય છે.
27 વર્ષનો વિજય શંકર તમિલનાડુનો મિડલ ઓર્ડર બેટ્સમેન છે જે મીડિયમ પેસ બોલિંગ પણ કરી લે છે. તેણે 5 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. તો ગિલે હાલમાં અન્ડર 19 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અન્ડર-19 વિશ્વકપની સેમીફાઇનલ મેચમાં શુભમન ગિલે ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 102 રન ફટકાર્યા અને ટીમ 272 રન નોંધાવી શકી હતી.
તેણે અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. પરંતુ અન્ડર 19માં સારૂ પ્રદર્શન કર્યા બાદ તેને આઈપીએલ કોલકત્તા નાઇટ રાઇડર્સે તક આપી હતી.