વિરાટ કોહલી બોલ્યો- અમે અત્યારે 2023ના વિશ્વ કપ વિશે વિચારી રહ્યાં નથી
વર્ષ 2023મા 50 ઓવરનો વિશ્વકપ ભારતમાં રમાશે અને કોહલીએ માન્યું કે, તેનું સંપૂર્ણ ધ્યાન સતત સારૂ પ્રદર્શન કરવા પર કેન્દ્રીત છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તેની ટીમ આગામી વિશ્વ કપ વિશે વિચારી રહી નથી. વર્ષ 2023મા 50 ઓવરનો વિશ્વ કપ ભારતમાં જ રમાશે અને કોહલીએ માન્યું કે તેનું પૂરુ ધ્યાન સતત સારા પ્રદર્શન કરવા પર કેન્દ્રીત છે.
કોહલીએ કહ્યું, 'અમે 2023 વિશ્વકપ વિશે વિચારી રહ્યાં નથી, તે હજુ દૂર છે. અમારી પ્રાથમિકતા હંમેશા વિશ્વ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શન કરવા પર રહ્યું છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં અમે તેમ કરવામાં સફળ રહ્યાં છીએ. અમે વિશ્વમાં બીજા ક્રમે છીએ અને તેનું એક સારૂ કારણ છે. ક્યારેક-ક્યારેક અમે ટોપ પર પણ પહોંચ્યા છીએ.'
કોહલીએ કહ્યું, 'તમે ખરેખર વિશ્વકપ વિશે 12 મહિના પહેલા યોજના બનાવવાનું શરૂ કરો છો. પ્રાથમિકતા ભારતીય ક્રિકેટને ટોચ પર રાખવું, સતત ક્રિકેટ રમવું અને મેચ જીતવી. તેથી અમે વિશ્વની ટોપ ટીમમાં સામેલ છીએ. વેસ્ટ ઈન્ડિઝ પર થયેલા સાત વિકેટથી જીતમાં યુવા બેટ્સમેન રિષભ પંતે મહત્વની ભૂમિકા ભજવી અને શાનદાર અડધી સદી ફટકારી હતી.'
કેપ્ટને પંતની પ્રશંસા કરતા કહ્યું, 'સિરીઝમાં પંતનું પ્રદર્શન સારૂ રહ્યું. પ્રથમ બે મેચો માટે તે નિરાશ હતો કે તેણે રન ન બનાવ્યા. તે ખરેખર સારૂ રમી રહ્યો છે, બોલને સારી રીતે મારી રહ્યો છે, પરંતુ આ ટી20 ક્રિકેટ છે. તેમાં આવું થતું રહે છે.'
રિષભ પંતે રોહિત શર્માને પાછળ છોડીને બનાવ્યો આ રેકોર્ડ, બન્યો ભારતનો પ્રથમ ખેલાડી
કોહલીએ કહ્યું, 'પરંતુ આજે તેણે પોતાની સ્કિલનો સારો ઉપયોગ કર્યો, જ્યારે જરૂર હતી ત્યારે મોટા શોટ્સ રમ્યો અને ઈનિંગને લય પ્રમાણે આગળ વધારી. બેટિંગ કોચે તેને સંદેશ આપ્યો હતો કે, મેચમાં વિજય નિશ્ચિત કર અને તેણે તે કામ કર્યું. બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત ગુરૂવારથી થશે.'