બેંગલુરૂઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચોની ટી-20 શ્રેણીમાં રમવાનું નક્કી છે, પરંતુ મિડલઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ યો યો ટેસ્ટમાં ફેલ થતા તે ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર થઈ શકે છે. બીસીસીઆઈના સીનિયર અધિકારીએ જણાવ્યું, કેપ્ટન વિરાટ સહિત તમામ ખેલાડીઓએ યો યો ટેસ્ટ પાસ કરી લીધો છે. ઈંગ્લેન્ડ જનારી ટીમમાં  માત્ર અંબાતી રાયડૂ છે, જે નિષ્ફળ રહ્યો છે. તેનો સ્કોર 16.1થી ઓછો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાતી રાયડૂએ આશરે બે વર્ષ બાદ ભારતીય વનડે ટીમમાં વાપસી કરી હતી. આઈપીએલ 2018માં ચેન્નઈ સુપર કિંગ્સને વિજયી બનાવવામાં રાયડૂએ મહત્વનું યોગદાન આપ્યું હતું. આઈપીએલમાં શાનદાર પ્રદર્શનને કારણે રાયડૂને વનડે ટીમમાં સ્થાન મળ્યું હતું. 


મહત્વનું છે કે, ઈંગ્લેન્ડ જનારી ટીમને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં બોલાવવામાં આવ્યા હતા. પ્રથમ બેન્ચમાં વિરાટ કોહલી, ધોની અને ભુવનેશ્વર કુમારનો યો યો ટેસ્ટ થયો. કોહલી, ધોની, ભુવનેશ્વર, કેદાર જાધવ અને સુરેશ રૈનાએ આ ટેસ્ટ સરળતાથી પાસ કરી લીધો. ત્યારબાદ જસપ્રીત બુમરાહ, સિદ્ધાર્થ કૌલ, વોશિંગટન સુંદર, ચહલ અને મનીષ પાંડેનો ટેસ્ટ કરવામાં આવ્યો. 


ભારતીય ટીમ 27 અને 29 જૂને આયર્લેન્ડ વિરુદ્ધ ટી-20 મેચ રમશે. મહત્વનું છે કે, આઈપીએલ દરમિયાન ડોકમાં ઈજા થવાને કારણે કોહલીને ઈંગ્લેન્ડની તૈયારીઓમાં ઝટકો લાગ્યો હતો, કારણ કે તે ઈજાને કારણે સરે તરફથી કાઉન્ટી રમવામાં પણ બહાર રહ્યો હતો. 


ભારતીય ટીમ મેનેજમેન્ટે કોઈપણ પ્રવાસ પહેલા યો યો ટેસ્ટને ફિટનેસનો આધાર બનાવ્યો છે. જે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી મેદાન પર ટીમ ઈન્ડિયાના ટ્રેનર શંકર બાસુ અને અન્ય સહયોગી સ્ટાફની હાજરીમાં થયો. ત્રણ જુલાઈથી શરૂ થનારા ઈંગ્લેન્ડના પ્રવાસમાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચ સામેલ છે.