વિરાટ કોહલી તોડી નાંખશે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ! માત્ર 9 રનની જ છે જરૂર
ભારત અને સાઉથ આફ્રિકાના ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ બુધવારે રમાશે. આ મેચમાં ભારતીય ફેન્સની નજર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે.
નવી દિલ્લી: ભારત અને સાઉથ આફ્રિકાના ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ બુધવારે રમાશે. આ મેચમાં ભારતીય ફેન્સની નજર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. જોકે પાર્લમાં થનારી આ મેચમાં વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. કોહલી નવ રન બનાવતાની સાથે જ વન-ડે ઈન્ટરનેશનલમાં ભારત માટે વિદેશી ધરતી પર સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની જશે.
હાલમાં મહાનતમ સચિન તેંડુલકર ભારત તરફથી વિદેશી જમીન પર વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. સચિને 147 મેચમાં 37.24ની એવરેજથી 5065 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 24 અર્ધસદીનો સમાવેશ થાય છે.
વિરાટ કોહલી છે બીજા નંબરે:
વિરાટ કોહલી આ એલિટ ભારતીય યાદીમાં બીજા નંબરે છે. કોહલીએ અત્યાર સુધી 107 મેચમાં 58.12ની એવરેજથી 5057 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 20 સદી અને 23 અર્ધસદી નીકળી છે. પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની 145 વન-ડે ઈન્ટરનેશનલમાં 4520 રનની સાથે ત્રીજા નંબરે છે.
વિદેશ ધરતી પર ODIમાં ભારત માટે સૌથી વધારે રન:
1. સચિન તેંડુલકર - 147 મેચ, 5065 રન
2. વિરાટ કોહલી - 107 મેચ, 5057 રન
3. એમએસ ધોની - 145 મેચ, 4520 રન
4. રાહુલ દ્રવિડ - 117 મેચ, 3998 રન
5. સૌરવ ગાંગુલી - 100 મેચ, 3468 રન
વિરાટ કોહલીનો સાઉથ આફ્રિકાની ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. આ દરમિયાન કોહલીએ 17 મેચમાં 87.70ની એવરેજથી 877 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને આટલી જ અર્ધસદી ફટકારી છે. કોહલી 25 મહિના કરતાં વધારે સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. એવામાં શાનદાર રેકોર્ડને જોતાં સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝમાં આ દુકાળને ખતમ કરી શકે છે.