મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે રવાના થતાં પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મહત્વનું છે કે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે આજે રવાના થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપ બાદથી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ટકરાવની વાત સામે આવી રહી હતી. તેવામાં આ મામલો પત્રકાર પરિષદમાં પણ ઉઠ્યો હતો. વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે રોહિત સાથે ટકરાવના વાતમાં કેટલું સત્ય છે? વિશ્વ કપની સેમિફાઇનલમાં હારીને ટૂર્નામેન્ટમાથી બહાર થયા બાદથી તેના અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે મતભેદના સમાચાર સામે આવી રહ્યાં હતા. 


રોહિત સાથે અણબનાવની વાત પર વિરાટ કોહલીએ કહ્યું, 'રોહિત શર્મા સાથે વિવાદના મુદ્દા પર મેં ઘણું સાંભળ્યું છે. જો ટીમમાં સારો માહોલ ન હોય તો અમે બે-ત્રણ વર્ષ સુધી સારૂ પ્રદર્શન ન કરી શક્યા હોત. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ જરૂરી હોય છે.'


વિરાટ કોહલીએ પત્રકારોને કહ્યું કે, 'તમે લોકોએ જોવું જોઈએ કે અમારા ડ્રેસિંગ રૂમનો માહોલ કેટલો સારો છે. કુલદીપ યાદવ અને એમએસ ધોની જેવા ખેલાડીઓની સાથે મજાક કરવામાં આવે છે.' વિરાટે કહ્યું, 'મને નથી ખ્યાલ કે રોહિત અને મારા વચ્ચે કોણ ઉપજાવી કાઢેલી કહાની બનાવી રહ્યું છે. મને ખ્યાલ નથી કે આ રિપોર્ટ્સ કેમ ચાલી રહ્યાં છે. અમારી વ્યક્તિગત જિંદગીને પણ તેમાં ઘસેડવામાં આવી રહી છે.'


વિરાટ કોહલીએ કહ્યું, 'જો મને કોઈ વ્યક્તિ પસંદ નથી, તો તમે તેને મારા ચહેરા પર કે મારા વ્યવહારમાં જોશો, તે સરળ છે. મેં હંમેશા રોહિતની પ્રશંસા કરી છે કારણ કે મારૂ માનવું છે કે તે સારો છે. અમારી વચ્ચે કોઈ મુદ્દો નથી. આ ચોંકાવનારી વાત છે. અણબનાવની વાત પર કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, જો આ સમાચાર સાચા છે તો તમે ત્રણેય ફોર્મેટમાં એકસૂત્રતા ન રાખી શકો. આ બકવાસ છે.'


આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, 'ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને તમામ ક્રિકેટર ઉત્સાહિત છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ રમવા માટે શાનદાર જગ્યા છે. ટી20 માટે અમે યુવા ટીમ પસંદ કરી છે અને બધા માટે સારી તક છે. વનડે ટીમમાં સંતુલન છે, હું ટી20 સિરીઝ માટે ઉત્સાહિત છું કારણ કે નવા ખેલાડીને તક મળશે. જે ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી ટીમમાં આવ્યા છે.'


વિશ્વ કપમાં હાર પર વિરાટ કોહલીએ કહ્યું, વિશ્વ કપની ફાઇનલમાં ન પહોંચવું ખુબ નિરાશાજનક રહ્યું. અમારે આગળ જોવાની જરૂર છે. ટી20 વિશ્વ કપ પણ આવી રહ્યો છે., તેના માટે અમારે સાથે મળીને રમવું જરૂરી છે. હું નવા પડકાર માટે તૈયાર છું.