નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ જલ્દી રાજનીતિના મેદાનમાં નવી ઈનિંગની શરૂઆત કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી તેને હરિયાણાના રોહતક સીટથી લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે છે. આ સાથે ભાજપ લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં મોટો દાવ અજમાવવાની તૈયારીમાં છે. હરિયાણાની તમામ દસ લોકસભાની સીટો પર ભાજપે હોમવર્ક પૂરુ કરી લીધું છે. પ્રત્યેક લોકસભા ક્ષેત્ર માટે ઉમેદવારોની કાચી પેનલ તૈયાર કરી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પેનલમાં દરેક સીટ પર ચૂંટણી લડવા ઈચ્છુક ત્રણથી છ દાવેદાર સામેલ છે. સૂફી ગાયક હંસરાજ હંસ, હિમાચલના રાજ્યપાલ આચાર્ય દેવપ્રત, પૂર્વ સેનાધ્યક્ષ જનરસ વીકે સિંહ અને ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ જેવા નામ છે. જે લોકસભા ચૂંટણી લડવા માટે ચર્ચામાં છે. સહેવાગને રોહતક લોકસભા સીટથી પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડા વિરુદ્ધ મેદાનમાં ઉતારવાની ચર્ચા છે. આ સીટ પર દીપેન્દ્ર હુડ્ડા સતત જીતતા આવે છે. 


ભાજપ પ્રભારી ડો. અનિલ જૈન, લોકસભા ચૂંટણી પ્રભારી કલરાજ મિશ્ર અને મુખ્યપ્રધાન મનોહર લાલની હાજરીમાં થયેલી લોકસભા ચૂંટણી સમિતિની બેઠકમાં સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ ગઈ છે, પરંતુ કાચા પેનલમાં સામેલ નામો પર મંથન બાદ જ પાર્ટી કોઈ આખરી નિર્ણય લેશે. હાલ તમામ દાવેદારોને ફીલ્ડમાં કામ કરવાના નિર્દેશ આપી દીધા છે.