નવી દિલ્હી: આઈપીએલ 2018માં ચેન્નાઈ બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરી છે. આઈપીએલમાં પાછી ફરેલી ચેન્નાઈની ટીમની કમાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમે આઈપીએલમાં શાનદાર પરફોર્મ કર્યુ છે. તેમની ટીમ આઈપીએલના પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે બીજા નંબરે છે. આ સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ બેટિંગ પણ સારી કરી છે. ધોની આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 10 મેચોમાં 360 રન બનાવી ચૂક્યો છે. તેનો સ્ટ્રાઈક રેટ 165નો છે. ધોનીએ આ અગાઉ 2017માં 290, 2016માં 284 રન બનાવ્યાં હતાં.  2017 અને 2016માં ધોની પુણેની ટીમનો ભાગ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોની પોતાની શાનદાર બેટિંગ અને વિકેટકિપિંગ સાથે મેદાનની બહાર પણ પોતાના ફેન્સનું ભરપુર મનોરંજન કરી રહ્યો છે. ધોની ચેન્નાઈની ટીમ સંલગ્ન પ્રમોશનમાં ભાગ લઈ રહ્યો છે અને ફેન્સના મજેદાર સવાલોના જવાબ પણ આપી રહ્યો છે.



હાલમાં જ ગલ્ફ ઓઈલ ઈન્ડિયાની એક પ્રમોશનલ ઈવેન્ટમાં મહેન્દ્રસિંહ ધોની પહોંચ્યો હતો. આ ઈવેન્ટમાં તેના ફેન્સે તેને અનેક પ્રકારના  સવાલો પૂછ્યા. જેનો જવાબ મહેન્દ્રસિંહ ધોનીએ આપ્યા. એક ફેને લાંબી લાંબી સિક્સરો મારવા પાછળ શું રહસ્ય છે તે પૂછ્યું. જવાબ આપતા ધોનીએ કહ્યું કે આંખો બંધ કરો, બેટ ઉપર ઉઠાવો, ભગવાનનું નામ લો અને મારો. ધોનીના આ જવાબને સાંભળીને ફેન્સ પણ ખુબ હસ્યાં.


આ જ ઈવેન્ટ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પહેલા પ્રેમ અંગે પણ જણાવ્યું હતું. ધોનીએ જણાવ્યું હતું કે તેનો પહેલો ક્રશ 12માં ધોરણમાં થયો હતો. તે છોકરીનું નામ સ્વાતિ હતું. ધોનીએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યાની સાથે જ મજાકમાં એમ પણ કહ્યું કે આ અંગે સાક્ષીને કશું ન કહેતા.