VIDEO: ટીમ હારી છતાં શ્રીલંકન ચાહકોએ સ્ટેડિયમમાં કર્યું એવું કામ, દુનિયા કરી રહી છે સલામ
શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વનડે મેચ પલ્લેકલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર 5 ઓગસ્ટના રોજ હારી ગઈ.
નવી દિલ્હી: શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વનડે મેચ પલ્લેકલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર 5 ઓગસ્ટના રોજ હારી ગઈ. દક્ષિણ આફ્રીકા 5 મેચોની આ સિરીઝમાં 3-0થી આગળ થઈ ગઈ હતી. હારવા છતાં શ્રીલંકાની ટીમના ફેન્સે સ્ટેડિયમમાં કઈંક એવું કામ કર્યું કે આખી દુનિયા તેમના વખાણ કરી રહી છે. ભારતીય ઉપમહાદ્વીપમાં ક્રિકેટને ધર્મને જેમ પૂજવામાં આવે છે. હાલમાં જ આઈસીસીના એક સર્વે મુજબ જ્યાં દુનિયામાં ક્રિકેટના એક અબજથી વધુ ફેન્સ છે ત્યાં 90 ટકા તો ભારતીય ઉપમહાદ્વીપ (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા)માં છે. આવામાં ટીમની હારનું દુ:ખ ફેન્સને વધુ હોય છે. મેદાન પર પાણીની બોટલો કે કચરો ફેંકાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતુ આ વખતે હારવા છતાં શ્રીલંકાના ફેન્સના આ ગેસ્ચરે બધાના મન જીતી લીધા છે.
હારવા છતાં શ્રીલંકન ક્રિકેટ ફેન્સે મેચબાદ સ્ટેડિયમની સફાઈ કરી. ફેન્સના આ પ્રયત્નની પ્રશંસા કરતા શ્રીલંકા ક્રિકેટના અધિકૃત ટ્વિટર હેન્ડલથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો. જેમાં ફેન્સ સ્ટેડિયમની સફાઈ કરતા જોવા મળી રહ્યાં છે. આ વર્ષે આ પહેલીવાર નથી બન્યું કે મેચ બાદ ફેન્સે સ્ટેડિયમની સફાઈ કરી હોય.
હાલમાં જ સંપન્ન થયેલા ફિફા વર્લ્ડ કપ 2018માં જાપાની ફેન્સ અને ખેલાડીઓએ મેચ બાદ સ્ટેડિયમની સફાઈ કરીને આખી દુનિયાના મન જીતી લીધા હતાં. જાપાન પહેલા રાઉન્ડમાં જ બેલ્જિયમ સામે હારીને ટુર્નામેન્ટની બહાર થઈ ગયું હતું. આમ છતાં ફેન્સે સ્ટેડિયમની સફાઈ કરી હતી. ખેલાડીઓએ પોતાના ડ્રેસિંગ રૂમની પણ સફાઈ કરી અને રશિયન ભાષામાં આભારનોટ લખી.