એક સમયે 2-9થી પાછળ હતા રવિ દહિયા, છેલ્લી 1 મિનિટમાં બાજી પલટી નાખી, હવે ગોલ્ડ માટે રમશે, જુઓ દિલધડક Video
દિલેર ભારતીય પહેલવાન રવિ દહિયાએ ટોકિયો ઓલિમ્પિકની ફાઈનલમાં પ્રવેશ કરતા જ ગોલ્ડ મેડલ તરફ ડગલું માંડીને બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે.
ટોકિયો: દિલેર ભારતીય પહેલવાન રવિ દહિયાએ ટોકિયો ઓલિમ્પિકની ફાઈનલમાં પ્રવેશ કરતા જ ગોલ્ડ મેડલ તરફ ડગલું માંડીને બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે. ચોથો ક્રમ ધરાવતા દહિયા 57 કિગ્રા ફ્રી સ્ટાઈલ કુશ્તીની સેમી ફાઈનલમાં એક સમયે 2-9થી પાછળ હતા પરંતુ છેલ્લી એક મિનિટમાં હરીફ પહેલવાન કઝાખિસ્તાનના નૂર ઈસ્લામ સાનાયેવ પર એવી જબરદસ્ત પકડ બનાવી અને જમીન પર પટકી દીધો કે તે ઉઠી જ ન શક્યો. ધમાકેદાર રીતે ફાઈનલમાં પ્રવેશ કર્યો. દહિયાએ સામેવાળા પહેલવાનના બંને પગને ફાંસ બનાવીને જકડી લીધો હતો. જેની પકડમાંથી સાનાયેવ છૂટી જ ન શક્યો.
દહિયાએ આ અગાઉ બંને મેચ ટેક્નિકલ કુશળતાના આધારે જ જીતી હતી. આ મેચના પહેલા રાઉન્ડ બાદ દહિયા પાસે 2-1ની લીડ હતી પરંતુ સાનાયેવે તેના ડાબા પગ પર હુમલો કરીને ત્રણવાર પલટવા પર મજબૂર કરીને છ અંક મેળવી લીધા. એક સમયે એવું લાગતુ હતું કે દહિયા હાર તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ સંયમ ન ગુમાવતા તેમણે એક મિનિટમાં બાજી પલટી નાખી.
રવિ દહિયા ઓલિમ્પિક ફાઈનલ સુધી પહોંચનારા સુશીલકુમાર બાદ બીજા ભારતીય પહેલવાન છે. આ અગાઉ સુશીલકુમારે 2012 લંડન ઓલિમ્પિકની ફાઈનલમાં જગ્યા બનાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. રવિ દહિયા જો ગોલ્ડ મેડલ જીતશે તો ભારત તરફથી ઓલિમ્પિકમાં આ રીતે ગોલ્ડ મેળવનાર પહેલા પહેલવાન હશે.
જુઓ Video
કુશ્તીમાં અત્યાર સુધીમાં મળ્યા આટલા મેડલ
કેડી જાધવ ભારતને કુશ્તીમાં મેડલ અપાવનારા પહેલા પહેલવાન હતા. તેમણે 1952માં હેલસિંકી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ સુશીલ કુમારે બેઈજિંગમાં બ્રોન્ઝ અને લંડનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સુશીલ ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત સ્પર્ધામાં મેડલ જીતનારા એકમાત્ર ભારતીય હતા પરંતુ આ વખતે બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને તેમની બરાબરી કરી નાખી. લંડન ઓલિમ્પિકમાં યોગેશ્વર દત્તે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સાક્ષી મલિકે રિયો ઓલિમ્પિક 2016માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube