મહિલા મિની આઈપીએલ આજથી, પ્રથમ મેચમાં સુપરનોવા અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે ટક્કર
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાનારી આ ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં સુપરનોવા અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે રમાશે.
જયપુરઃ મહિલા ક્રિકેટમાં સોમવારે એક નવો અધ્યાય જોડાશે. પ્રથમ વખત વુમન મિની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શરૂ થશે. આ લીગમાં ત્રણ ટીમો ટ્રેલબ્લેઝર્સ, સુપરનોવા અને વેલોસિટી ભાગ લેશે. આ લીગમાં વિદેશી ખેલાડીઓ પણ રમશે. તેનો ઈરાદો મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું છે.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાનારી આ ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં સુપરનોવા અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે રમાશે. ટ્રેલબ્લેઝર્સની કેપ્ટન સ્મૃતિ મંધાના છે, જ્યારે સુપરનોવાની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. આગામી બે મેચ 8 અને 9 મેએ રમાશે. ટોપ-2માં રહેનારી ટીમો વચ્ચે 11 મેએ ફાઇનલ રમાશે.
પાછલા વર્ષે યોજાઇ હતી પ્રદર્શની મેચ
પાછલા વર્ષે આઈપીએલ દરમિયાન મહિલાઓની એક ટી20 મેચ યોજાઇ હતી. ટ્રેલબ્લેઝર્સ અને સુપરનોવા વચ્ચે આ પ્રદર્શની મેચ બપોરે 3.30 કલાકે રમાયો હતો. તેમાં સુપરનોવાએ જીત હાસિલ કરી હતી. પરંતુ તે મેચમાં અપેક્ષા અનુસાર દર્શકો ન પહોંચ્યા હતા. આ વખતે બીસીસીઆઈને આશા છે કે, યોગ્ય માત્રામાં દર્શકોનું સમર્થન મળશે. ત્રણેય ટીમના કેપ્ટનોએ આ મિની આઈપીએલને સફળ થવાની આશા વ્યક્ત કરી છે.
બંન્ને ટીમો આ પ્રકારે છેઃ
ટ્રેલબ્લેઝર્સઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), ભારતી ફુલમાલી, દયાલન હેમલતા, દીપ્તિ શર્મા, હરલીન દેયોલ, જૈસિયા અખ્તર, ઝુલન ગોસ્વામી, રવિ કલ્પના (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, શકીરા સેલમન, સોફી એક્લેસ્ટોન, સ્ટેફની ટેલર, સૂઝી બેટ્સ.
સુપરનોવાઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), અનુજા પાટિલ, અરૂંધતિ રેડ્ડી, ચમારી અટ્ટાપટ્ટુ, જેમિમા રોડ્રિગ્જ, લિયા તાહુહુ, માનસી જોશી, નટાલી સીવર, પૂનમ યાદવ, પ્રિયા પુનિયા, રાધા યાદવ, સોફી ડિવાઇન, તાનિયા ભાટિયા (વિકેટકીપર).