બર્મિંઘમઃ આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં અજેય ભારતને 31 રને પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જોની બેયરસ્ટોની સદી અને બેન સ્ટોક્સ તથા જેસન રોયની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 337 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 5 વિકેટ 306 ગુમાવી રન બનાવી શકી હતી. 1992 બાદ વિશ્વકપમાં ઈંગ્લેન્ડ સામે ભારતની પ્રથમ હાર છે. ભારતનો આ ટૂર્નામેન્ટમાં પ્રથમ પરાજય છે. આ સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં ટોપ કરવાની આશા પણ ગુમાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જીત સાથે ઈંગ્લેન્ડના 8 મેચોમાં 5 જીત સાથે 10 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે ભારતીય ટીમનો સાત મેચોમાં આ પ્રથમ પરાજય છે. ભારત ટૂર્નામેન્ટમાં 5 વિજય સાથે કુલ 11 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 


ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે 10 ઓવરમાં 55 રન આપીને ત્રણ વિકેટ ગુમાવી હતી. ક્રિસ વોક્સે 10 ઓવરમાં 58 રન આપીને 2 વિકેટ લીધી હતી. 


રાહુલ શૂન્ય પર આઉટ
ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ શૂન્ય રન પર ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. ભારતે 8 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. 


રોહિત શર્માની વિશ્વકપમાં ત્રીજી સદી
રોહિત શર્મા 102 રન બનાવી આઉટ થયો હતો. વિશ્વકપમાં તેની ત્રીજી અને વનડે કરિયરની 25મી સદી હતી. રોહિતે 109 બોલનો સામનો કરતા  15 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા તેણે આફ્રિકા અને પાકિસ્તાન વિરુદ્ધ પણ સદી ફટકારી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. 


કોહલીની વિશ્વકપમાં સતત પાંચમી અડધી સદી
કોહલીએ આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 82, પાકિસ્તાન વિરુદ્ધ 77, અફઘાનિસ્તાન વિરુદ્ધ 67 અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 72 રન બનાવ્યા હતા. તે વિશ્વકપમાં સતત 5 અડધી સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન છે. ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ અને આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે સતત 4 અડધી સદી હતી. કોહલીએ આજે 76 બોલનો સામનો કરતા 7 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. 


રિષભ પંત 32 અને પંડ્યાએ બનાવ્યા 45 રન
વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ રિષભ પંત 32 રન બનાવી પ્લંકેટનો શિકાર બન્યો હતો. તેણે 29 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 33 બોલમાં 4 ચોગ્ગા સાથે 45 રન બનાવ્યા હતા. તેને પ્લંકેટે વિન્સેના હાથે કેચ કરાવી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. એમએસ ધોની 42 અને કેદાર જાધવ 12 રન બનાવી અણનમ રહ્યાં હતા.  


મોહમ્મદ શમીએ ઝડપી 5 વિકેટ
ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ પર 337 રન બનાવ્યા હતા. તેના માટે જોની બેયરસ્ટોએ 111 રનનું યોગદાન આપ્યું હતું. આ વિશ્વકપમાં તેની પ્રથમ સદી છે. બેન સ્ટોક્સે 79 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં તેની ચોથી અડધી સદી છે. ભારત માટે મોહમ્મદ શમીએ 69 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. 


શમીએ સતત ત્રીજી મેચમાં 4 વિકેટ લેનાર બીજો ભારતીય
શમી સતત ત્રણ મેચમાં 4થી વધુ વિકેટ ઝડપનાર બીજો ભારતીય છે. આ પહેલા નરેન્દ્ર હિરવાણીએ 1988મા આમ કર્યું હતું. શમી વિશ્વકપમાં સતત 3 વખત ચારથી વધુ વિકેટ લેનાર બીજો બોલર છે. આ પહેલા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ વર્ષ 2011ના વિશ્વકપમાં આ સિદ્ધિ મેળવી હતી. શમીની આ વિશ્વકપમાં ત્રણ મેચમાં 13 વિકેટ થઈ ગઈ છે. તે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. 


મોર્ગન 1 રન બનાવી આઉટ
કેપ્ટન ઇયોન મોર્ગન 1 રન બનાવી આઉટ થયો હતો. તેને શમીએ કેદાર જાધવના હાથે કેચ કરાવ્યો હતો. જો રૂટ 44 રન બનાવી શમીના બોલ પર હાર્દિકને કેચ આપી બેઠો હતો. રૂટે સ્ટોક્સની સાથે ચોથી વિકેટ 70 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલર 8 બોલમાં 20 રન ફટકારીને શમીનો શિકાર બન્યો હતો. 


જેસન રોય-બેયરસ્ટો વચ્ચે સદીની ભાગીદારી 
જેસન રોય 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 57 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કુલદીપ યાદવે તેની વિકેટ ઝડપી હતી. જેસન રોયના કરિયરની આ 16મી અડધી સદી હતી. તેણે પ્રથમ વિકેટ માટે બેયરસ્ટોની સાથે 160 રનની ભાગીદારી કરી હતી. ઈજાના કારણે જેસન રોય છેલ્લી ત્રણ મેચમાંથી બહાર હતો.