ઓસ્ટ્રેલિયા અને ભારત બંને ટીમો વર્લ્ડ કપ 2023 સેમી ફાઈનલ માટે ક્વોલીફાય કરી ચૂકી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023 માં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે 4 મેચમાં જ પોતાના ઘાતક પ્રદર્શનથી વિપક્ષી બેટ્સમેનોને પરેશાન કર્યા છે. આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે શમીને લઈને એક નિવેદન આપ્યું છે. મેક્સવેલે શમી વિશે કહ્યું છે કે તેમના બોલનો સામનો કરવો મુશ્કેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડબલ સેન્ચ્યુરીથી મેચ જીતાડી
અફઘાનિસ્તાન સામે લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે અસંભવ લાગતું કામ કરી બતાવ્યું. તેમણે એકલા હાથે ટીમને લક્ષ્ય સુધી પહોંચાડીને સેમી ફાઈનલની ટિકિટ અપાવી દીધી. આ મેચમાં 292 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ એક સમયે 91 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટેડિયમમાં ફેન્સથી લઈને ખેલાડીઓ સુદ્ધા બધાને વિશ્વાસ થઈ ગયો હતો કે હવે અફઘાનિસ્તાન મેચ પોતાના નામે કરી લીશે. પરંતુ કોણે વિચાર્યું તું કે મેક્સવેલ નામનું તોફાન આવશે અને જીતની દાસ્તાન લખી નાખશે. ક્રેમ્પ્સ સામે ઝઝૂમતા દર્દથી પીડાતા, લંગડાતા, મેદાન પર પડતા આખડતા વન મેન આર્મીની જેમ મેક્સવેલે ઓસ્ટ્રેલિયાને આ મેચમાં અશ્કય લાગતી જીત અપાવી દીધી. મેક્સવેલે 128 બોલમાં અણનમ બેવડી સદી ફટકારતા 201 રન બનાવી દીધા. તેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા. 


મેક્સવેલને શમીનો ડર?
ગ્લેન મેક્સવેલે હાલમાં જ એક પોડકાસ્ટમાં કહ્યું કે મોહમ્મદ શમીનો સામનો કરવો ખુબ કઠિન છે. જે રીતે તેમના બોલ સ્વિંગ થાય છે તેને રમવું ખુબ જ મુશ્કેલ છે. કોઈ પણ બોલિંગ કરી શકે છે પરંતુ શમી જેવી નહીં. ટીમ ઈન્ડિયાના બોલરોના વખાણમાં મેક્સવેલે કહ્યું કે ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ  કપ 2023ની સૌથી સારી બોલિંગ લાઈનઅપ છે. સિરાજ, શમી, બુમરાહ, નવા બોલથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 


ઘાતક ફોર્મમાં છે શમી
વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમી આગ ઓકી રહ્યો છે. મોટા મોટા બેટ્સમેન તેના બોલનો સામનો કરતા પરેશાન થઈ રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં ફક્ત 4 મેચ રમી છે અને 16 બેટ્સમેનને આઉટ કર્યા છે. તેણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ 5-5 વિકેટ લીધી છે. જો તેનું આ જ પ્રદર્શન સેમી ફાઈનલમાં પણ રહ્યું તો ભારતને ફાઈનલમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube